
શહેરા પોલીસે બાતમીના આધારે કાર આંતરી: રૂ. ૩.૩૨ લાખનો વિદેશી દારૂ જપ્ત, રાજસ્થાનનો બુટલેગર જેલભેગો
શહેરા-સંભાલી ગામના રોડ પરથી પોલીસે બાતમીના આધારે એક હ્યુન્ડાઈ ક્રેટા કારને આંતરીને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી ૯૦૨ બોટલો ઝડપી પાડી હતી. પોલીસે આ મામલે રાજસ્થાનના એક ઇસમની ધરપકડ કરવા સાથે દારૂ તેમજ વાહન મળી કુલ રૂ. ૮.૩૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઇ દુધાત દ્વારા દારૂ-જુગારની બદીને નેસ્તનાબૂદ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બ્રીન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે શહેરા-સંભાલી રોડ પર વોચ ગોઠવી હતી.વોચ દરમિયાન બાતમી મુજબની સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા ફોર વ્હીલર કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને કોર્ડન કરીને અટકાવી હતી. કાર ચાલકની પૂછપરછ કર્યા બાદ ગાડીની તલાશી લેવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૯૦૨ નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા ૩,૩૨,૩૭૬/- થવા સાથે પોલીસે દારૂના આ જથ્થા સાથે કારના ચાલક સોહનસિંહ ફતેસિંહ સિસોદીયા ઉં.વ. ૩૨, રહે. અદવાસ ધીમડી ફળીયુ, તા. સરાડા, જી. ઉદયપુર, રાજસ્થાનની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગુનામાં અન્ય બે શખ્સો ભૈરવસિંહ ઉર્ફે પવન ઉર્ફે રવી માનસિંહ સિસોદીયા રહે. અદવાસ, જી. ઉદયપુર, રાજસ્થાન જે આ ગુનામાં વોન્ટેડ જાહેર કરાયો હતો.આ સિવાય જે અજ્ઞાત ઇસમે આ પ્રોહિબિશનનો મુદ્દામાલ મંગાવ્યો હતો, તેનું નામ-ઠામ મેળવી તેને પણ વોન્ટેડ જાહેર કરી પકડવાના ચક્રો ગતિમાન કરાયા હતા.પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવા સાથે
દારૂ તેમજ વાહન મળી કુલ રૂ. ૮.૩૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.