સંતરામપુર તાલુકામાં ચોમાસાની ઋતુ વચ્ચે યુરિયા ખાતરની ભારે અછત સર્જાતા ખેડુતોની હાલત કફોડી બની છે. પાકને સમયસર ખાતર આપવા માટે ખેડુતોને ચાલુ વરસાદમાં માથે છત્રી કે પ્લાસ્ટિક ઓઢીને ખાતરની દુકાનો બહાર કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. સરકાર દ્વારા ખેડુત હિતના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પરંતુ વાવણીના સમયે જ ખાતર ન મળતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. દેશ માટે અનાજ પકવતા અન્નદાતાને ખાતર મેળવવા માટે પણ સતત સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ખેડુતોની માંગ છે કે, સંતરામપુર તાલુકામાં યુરિયા ખાતરનો ૫ુરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે અને વરસાદમાં કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાની સ્થિતિમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી છે.