
વધતી જતી મોબાઈલ કનેક્ટિવિટી અને ખાનગી ટેલીકોમ કંપનીઓની તિવ્ર હરીફાઈના કારણે ગોધરા શહેરમાં બીએસએનએલ ના લેન્ડ લાઈન નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં બીએસએનએલના ૩,૦૦૦ જેટલા લેન્ડલાઈન કનેકશન બંધ થઈ ગયા છે. અગાઉ જયાં લેન્ડલાઈન કનેકશન મેળવવા માટે લોકોએ મસમોટા વેટિંગ લિસ્ટમાં રાહ જોવી પડતી હતી ત્યાં આજે સ્માર્ટફોનના યુગમાં લેન્ડલાઈનનો ક્રેઝ સાવ ઓસરી ગયો છે.
હાલમાં મોબિલિટી અને અનલિમીટેડ કોલિંગ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ થતાં અને ઓછા દરે અનલિમીટેડ કોલિંગ મળતા સ્થિત લેન્ડલાઈન ફોનની જરિયાત નહિવત થઈ ગઈ છે. જુની તાંબાના વાયર(કોપર કેબલ)વાળી સ્ટિમ આધારિત લેન્ડલાઈન કનેકશનો હવે હાઈસ્પીડ ઓપ્ટિકલ ફાઈબર બ્રોડબેન્ડ અને મોબાઈલ નેટવર્કમાં ક્ધવર્ટ થઈ રહ્યા છે. ચોમાસા કે ખોદકામ દરમિયાન કોપર વાયર તુટવાથી લાઈન વારંવાર ખોરવાઈ જતી હોવાથી ગ્રાહકો વાયરલેસ કે ફાઈબર કનેકશન પસંદ કરી રહ્યા છે. ગોધરા ખાતે લેન્ડલાઈન નેટવર્કના કુલ ૮ હજાર કનેકશન કાર્યરત હતા. જેમાંથી ૩ હજાર કનેકશનો બંધ થતાં હવે તે ધટીને માત્ર ૫ હજાર રહી ગયા છે.