સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામે ઉછીણા પૈસા માંગવાના મામલે થયેલા ઝધડામાં ત્રણ શખ્સોએ લાકડી-દંડા વડે હુમલો કરી ત્રણને ઈજા પહોંચાડવાના કેસમાં સંજેલી કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સજા અને રૂ.૧,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
તા.૨૮ સપ્ટે.-૨૦૨૩ની રાત્રિએ અશ્ર્વિન સુરસીંગ મુનીયા, પ્રતાપ અને દિનેશ દલસુખ મછાર પિતા સાથે જમ્યા બાદ ધર નજીક ઝુંપડામાં બેઠા હતા. દરમિયાન ગામના દિનેશ ભુરીયા, ગોરધન ભુરીયા, અને રમેશ ભુરીયા ત્યાં આવી ફરિયાદીના ભાઈ પાસેથી .૨૫ હજાર ઉછીણા પરત માંગ્યા હતા. પૈસા ન હોવાનુ જણાવતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા. અને ગાળો બોલવા લાગ્યા હતા. બાદમાં અશ્ર્વિન, પ્રતાપ અને દિનેશને ખેતરમાં ખેંચી જઈ લાકડી-દંડા વડે માર માર્યો હતો. હુમલામાં દિનેશના હાથમાં ફ્રેકચર થયુ હતુ. જયારે અશ્ર્વિન અને પ્રપાતને પણ શરીર તથા પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવતા આરોપીઓ નાસી ગયા હતા. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સંજેલી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એ.બી.તડવીએ કરેલી દલીલોને અને રજુઆતોને ધ્યાને લઈ જજ ટી.આર.ગુનીયાએ આરોપી દિનેશ, ગોરધન અને રમેશને તકસીરવાન ઠેરવી સજા સંભળાવી હતી.