લુણાવાડાના ગાંગટા ગામની શાળામાં બાંધકામ દરમિયાન ધાબા પરથી શ્રમિકના માથામાં બ્લોક પડતા શ્રમિકનુ મોત

ગાંગટાની સ્કુલમાં ચાલતા બાંધકામ દરમિયાન ધાબેથી શ્રમિકના માથા પર બ્લોક પડતા મોત નીપજયું હતુ. બાંધકામ દરમિયાન મજુરો માટે સેફટી નેટ, સેફટી બેલ્ટ કે હેલ્મેટ જેવી પ્રાથમિક સુરક્ષાનો અભાવનો આક્ષેપ સાથે મૃતકના ભાઈએ કોન્ટ્રાકટર અને શાળા સંચાલક સામે બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કડાણા તાલુકાના તેજાકુઈ ગામના ભલાભાઈ ભેમાભાઈ મછાર ગાંગટા ગામની એબીએસ સ્કુલમાં મજુરી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ધાબા પરથી સિમેન્ટનો બ્લોક સીધો જ તેમના માથાના ૫ાછળના ભાગે આવીને પડ્યો હતો. સિમેન્ટનો બ્લોક શરીર પર પડતા તેઓ સ્થળ પર જ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા. ધટનાને પગલે આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત શ્રમિકને ૧૦૮ મારફતે તાત્કાલિક લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમનુ મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈ રમેશભાઈ ભેમાભાઈ મછારને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે, બાંધકામ સાઈટ પર મજુરો માટે સેફટી નેટ, સેફટી બેલ્ટ કે હેલ્મેટ જેવી પ્રાથમિક સુરક્ષાની કોઈ જ વ્યવસ્થા કરી ન હતી. આ ગંભીર બેદરકારીના કારણે જ મારા ભાઈનુ મોત નીપજયું છે. પૈસા બચાવવાના ચકકરમાં મજુરોના જીવ જોખમમાં મુકતા મૃતકના ભાઈ રમેશભાઈ મછારે બાકોર પોલીસ મથકે બાંધકામ સાઈટના કોન્ટ્રાકટર અર્જુનભાઈ રાવળ અને એબીએસ સ્કુલના મુખ્ય સંચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.