સામાન્ય સભા ન ભરાતી હોવાના આક્ષેપો વચ્ચે 

જોરાપુરા દાઉદ્રા ગ્રામ પંચાયતમાં ગેરરીતિના આક્ષેપો, બોડી સભ્યોએ DDO સમક્ષ લેખીત રજૂઆત દ્વારા તપાસની માંગ કરી

ઘોઘંબા તાલુકાની જોરાપુરા દાઉદ્રા ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતના વહીવટને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામ પંચાયતના બોડી સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલ-ગોધરાને લેખિત અરજી કરી તલાટી કમ મંત્રી સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બોડી સભ્યો દ્વારા કરવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ફરજ બજાવતા તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ પંચાયતનો વહીવટ મનસ્વી રીતે કરવામાં આવી રહ્યો છે. સભ્યોને જાણ કર્યા વિના તેમજ એજન્ડા આપ્યા વગર ઠરાવો કરવામાં આવતા હોવાનો અને છેલ્લા ત્રણ વર્ષથી સામાન્ય સભા પણ યોગ્ય રીતે બોલાવવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અરજીમાં વધુમાં જણાવાયું છે કે, ગ્રામ પંચાયતના વિકાસલક્ષી કામો અંગે બોડી સભ્યોને પૂરતી જાણ કરવામાં આવતી નથી. સભ્યો દ્વારા ઠરાવો અને વહીવટી કામગીરી અંગે માહિતી માંગવામાં આવે ત્યારે યોગ્ય જવાબ આપવામાં આવતો ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.બોડી સભ્યોએ સહી કરી આક્ષેપોને સમર્થન આપ્યું મહત્વપૂર્ણ બાબત એ છે કે, બોડી સભ્યોએ અરજી પર સહી કરીને તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામસભા તથા સામાન્ય સભા નિયમિત રીતે ન બોલાવવામાં આવતી હોવાના આક્ષેપોને સમર્થન આપ્યું છે. આ સમગ્ર મામલે જિલ્લા કક્ષાએ તપાસ કરવામાં આવે તો વાસ્તવિક સ્થિતિ બહાર આવી શકે તેવી માંગ કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે ઘોઘંબા તાલુકાની અન્ય ગ્રામ પંચાયતોમાં પણ ગ્રામસભા નિયમિત અને જાહેર રીતે યોજાય છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામસભા દરમિયાન ગ્રામજનોને પોતાના પ્રશ્નો અને ગામના વિકાસકાર્યો અંગે રજૂઆત કરવાની તક મળે છે. જો ગ્રામસભા યોગ્ય રીતે યોજાતી ન હોય તો ગ્રામજનોના પ્રશ્નો અને વહીવટ અંગેની ચર્ચા પણ અટકી જાય છે.

અરજદારો દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે, જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા જે તે ગામમાં ખાનગી રીતે હકીકતલક્ષી તપાસ કરવામાં આવે અને ગ્રામજનો તથા પંચાયતના સભ્યો પાસેથી માહિતી મેળવવામાં આવે તો ગ્રામસભા અને સામાન્ય સભા અંગેની વાસ્તવિક સ્થિતિ સામે આવી શકે.

હાલ જોરાપુરા દાઉદ્રા ગ્રામ પંચાયતના આક્ષેપો અંગે જિલ્લા વિકાસ અધિકારી કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ અને તપાસ બાદ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. જોકે, ગ્રામ પંચાયતના વહીવટમાં પારદર્શિતા અને ગ્રામસભાની પ્રક્રિયા અંગે ઉઠેલા સવાલોએ ઘોઘંબા તાલુકામાં ચર્ચા જગાવી છે.

ગ્રામસભા ન યોજાય તો ગ્રામજનોના પ્રશ્નો કોણ સાંભળશે?ગ્રામસભા એ ગામના દરેક નાગરિકને પોતાના પ્રશ્નો રજૂ કરવાનો લોકશાહી મંચ છે. પરંતુ ગ્રામસભા માત્ર સરકારી ચોપડે યોજાય અને ગ્રામજનોને તેની જાણ જ ન થાય તો પંચાયતના વહીવટની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. જોરાપુરા-દાઉદ્રા ગ્રામ પંચાયતના બોડી સભ્યોએ તલાટી-કમ-મંત્રી સામે સામાન્ય સભા નહીં બોલાવવાના તથા સભ્યોને જાણ કર્યા વગર વહીવટ કરવાનો આક્ષેપ કરતાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ કરી છે. હવે ઘોઘંબા તાલુકાની અન્ય ગ્રામ પંચાયતોમાં પણ ગ્રામસભા ખરેખર ગ્રામજનોની હાજરીમાં યોજાય છે કે માત્ર ચોપડે જ પૂર્ણ થાય છે? તેની તપાસ થાય તો અનેક સવાલોના જવાબ મળી શકે તેમ છે.