સંખેડાના હાંડોદમાં કાદવમાં ફસાયેલી ગાયનું રેસ્ક્યૂ કરાયું

સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં કાદવમાં ફસાયેલી એક ગાયનું બહાદરપુરની એનિમલ રેસ્ક્યૂ ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું છે.

મળતી માહિતી મુજબ, હાંડોદમાં સતત વરસાદને કારણે મહેશભાઈ મહારાજના વાડામાં એક ગાય ઊંડા અને ચીકણા કાદવમાં ફસાઈ ગઈ હતી. ગાયના ચારેય પગ કાદવમાં ખૂંપી ગયા હતા, જેના કારણે તે ઊભી રહી શકતી ન હતી. ગ્રામજનોએ તેને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા.

આ અંગે વિશાલભાઈ પટેલે બહાદરપુરની એનિમલ રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. માહિતી મળતા જ ટીમના સચિન પંડિત, સંજયભાઈ અને લાલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમના સભ્યોએ દોરડા, પટ્ટા અને એક નાના ટ્રેક્ટરની મદદથી ગાયને કોઈ ઈજા ન થાય તે રીતે કાદવમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.

ગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. મહેશભાઈ મહારાજ સહિત ગામના લોકોએ રેસ્ક્યૂ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બહાદરપુરની એનિમલ રેસ્ક્યૂ ટીમ છેલ્લા ઘણા વર્ષોથી કૂવા, ખાડા અને કાદવમાં ફસાયેલા પશુઓનું રેસ્ક્યૂ કરીને તેમના જીવ બચાવી રહી છે.