
સંખેડા કોલેજના ગુજરાતી ભાષાના અધ્યાપિકા ડો. સાધનાબેન ટાંક દ્વારા સંખેડાની વિશ્ર્વવિખ્યાત કાષ્ઠકલા પર સંશોધનાત્મક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ કલાગ્રંથનું પ્રકાશન કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.સંખેડાની કાષ્ઠકલા તેના સાંસ્કૃતિક વારસા અને જીઆઈ ટેગ માટે જાણીતી છે. આ કલા ખરાદી (સુથાર) સમુદાયની પરંપરાગત કલાત્મક કોતરણી, સોનેરી લાખ અને કલઈની હસ્તકલા માટે પ્રખ્યાત છે.
લોકસાહિત્ય અને કલાસંસ્કૃતિમાં રસ ધરાવતા ડો. સાધનાબેન ટાંકનું ધ્યાન આ કળાએ ખેંચ્યું હતું. તેમણે સંખેડામાં ઠેર ઠેર ક્ષેત્રકાર્ય કરીને ખરાદી સમુદાય, કુશળ કારીગરો અને સ્થાનિક જાણકારો પાસેથી માહિતી એકત્રિત કરી આ અભ્યાસ હાથ ધર્યો હતો.આ સંશોધન કાર્યમાં કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સંસ્થા અને તેના અધ્યક્ષ રમણિકભાઈ ઝાપડીયાનો સહકાર મળ્યો હતો. તેમના સહયોગથી આ સાંસ્કૃતિક વારસાનું દસ્તાવેજીકરણ થયું અને પુસ્તક સ્વપે કલાજગતમાં રજૂ કરવામાં આવ્યું.આ કલાગ્રંથ સંખેડાની આગવી કલાને વૈશ્ર્વિક સ્તરે પહોંચાડવામાં મદદ કરશે અને કલાકારોને વૈશ્ર્વિક બજારમાં વધુ તકો પૂરી પાડશે તેવી આશા છે. લેખિકા ડો. સાધના ટાંક દ્વારા આ ગ્રંથ મંડળના પ્રતિનિધિ મહેન્દ્રભાઈ અને સંસ્થાના આચાર્ય ડો. દીપકકુમાર પટેલને હસ્તે કોલેજને ભેટ આપવામાં આવ્યો. કોલેજ પરિવારે આ કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવી છે.