રેલવેમાં નોકરી અપાવવાના નામે ૧૦.૨૪ લાખની ઠગાઈ, વડોદરાના ૪ યુવકોને નકલી લેટર આપી ફસાવ્યા

સરકારી નોકરી મેળવવાનું સપનું જાઈ રહેલા ચાર યુવકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વડોદરમાં વેસ્ટર્ન રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી એક શખ્સે ચાર યુવકો પાસેથી કુલ રૂ.૧૦.૨૪ લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ પોતે વેસ્ટર્ન રેલવેમાં નોકરી કરતો હોવાનું કહી યુવકોનો વિશ્વાસ જીત્યો હતો.

બાદમાં નકલી જાડાણ પત્ર અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપી નોકરીની પ્રક્રિયા ચાલી રહી હોવાનું કહી સમય પસાર કર્યાનો આરોપ છે.આ સમગ્ર મામલે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, અલંકાર હોટલમાં મેનેજર તરીકે કામ કરતા મોહમદ સાયન આરિફભાઈ શેખની વર્ષ ૨૦૨૩ દરમિયાન મોહમદ જકવાન યુસુફ દેલાવાલા સાથે ઓળખાણ થઈ હતી.આરોપીએ પોતે વેસ્ટર્ન રેલવેમાં નોકરી કરતો હોવાનું જણાવી ફરિયાદી સાથે મિત્રતા કેળવી હતી.

વર્ષ ૨૦૨૪માં રેલવે ભરતીની જાહેરાત આવ્યા બાદ ફરિયાદીએ આરોપી પાસેથી માહિતી માંગી હતી. તે સમયે આરોપીએ પોતાની રેલવેમાં ઓળખાણ હોવાનો દાવો કરી સીધી નોકરી અપાવી દેવાની ખાતરી આપી હતી. નોકરી માટે આશરે રૂ.૭.૫૦ લાખનો ખર્ચ થશે તેમ કહી આરોપીએ ફરિયાદી પાસેથી શૈક્ષણિક પ્રમાણપત્રો સહિતના જરૂરી દસ્તાવેજા મેળવી લીધા હતા.પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ વિવિધ તબક્કામાં ફરિયાદી પાસેથી ઓનલાઈન મારફતે રૂ.૧.૯૫ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

ત્યારબાદ નોકરીની પ્રક્રિયા ચાલી રહી હોવાનું કહી સમય પસાર કર્યો હતો.યુવકનો વિશ્વાસ જાળવી રાખવા માટે આરોપીએ કથિત રેલવે જાડાણ પત્ર અને પ્રતાપનગર રેલવે હોસ્પિટલનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ આપ્યું હતું.લાંબો સમય વીતી ગયા બાદ પણ નોકરી ન મળતા અને રૂપિયા પરત ન મળતાં ફરિયાદીએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપીએ અન્ય ત્રણ યુવકોને પણ રેલવેમાં નોકરી અપાવવાના નામે રૂપિયા પડાવ્યા હતા.

ફરિયાદ મુજબ, મોહમદ સાયન આરિફ શેખ પાસેથી રૂ.૧.૯૫ લાખ, વારિશઅલી અકબરઅલી બાલીસાનાથી રૂ.૩ લાખ,જમીયા મુસ્તાકમિયા મીર પાસેથી રૂ.૨.૨૦ લાખ અને મોહમદ ઝુબેર મેહમુદમિયા શેખ પાસેથી રૂ.૩.૦૯ લાખ મળી કુલ રૂ.૧૦.૨૪ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.યુવકોને નકલી દસ્તાવેજા આપી અને સરકારી નોકરી અપાવવાની ખોટી ખાતરી આપી રૂપિયા પડાવવાના મામલે સયાજીગંજ પોલીસે ફરિયાદ નોંધી છે.હાલ પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન, નકલી દસ્તાવેજા અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.