રાજકોટ મનપામાં કોન્ટ્રાક્ટ વિવાદઃ જંગલેશ્વર ડિમોલેશન કેસમાં વિવાદિત કંપનીને ફરી કામ આપ્યાના આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકા ફરી એકવાર કોન્ટ્રાક્ટ ફાળવણીને લઈને વિવાદમાં સપડાઈ છે. જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશન કામગીરીના અંદાજે ૨૪ લાખના બિલને લઈને અગાઉથી ચર્ચામાં રહેલી કંપનીને ફરી નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે મનપાની કામગીરી અને નિર્ણય પ્રક્રિયા અંગે અનેક સવાલો ઉભા થયા છે.

મળતી માહિતી મુજબ, જંગલેશ્વર ડિમોલેશન કામગીરી દરમિયાન થયેલા ખર્ચ અને બિલને લઈને અગાઉ વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી હતી. જોકે તપાસ પ્રક્રિયા ચાલુ હોવા છતાં, એ જ વિવાદિત કંપનીને ફરીથી કામગીરી સોંપવામાં આવી હોવાનું સામે આવતાં ચર્ચા તેજ બની છે.

આક્ષેપો અનુસાર બાલાજી એન્ટરપ્રાઇઝને ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. વિવાદને ધ્યાનમાં રાખીને કંપની સામે કાર્યવાહી થવી જોઈએ કે બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ એવી માંગ ઉઠી રહી હતી, પરંતુ તેના બદલે ફરી કામ સોંપાતા વિરોધ પક્ષ અને વિવિધ વર્ગોમાં સવાલો ઊભા થયા છે.

વિરોધીઓનો આક્ષેપ છે કે મનપાના કેટલાક અધિકારીઓ દ્વારા કંપની પર વિશેષ મહેરબાની દાખવવામાં આવી રહી છે. તપાસ કમિટીની કાર્યવાહી પૂર્ણ થાય તે પહેલાં જ ફરીથી કામગીરી સોંપવાનો નિર્ણય પારદર્શિતા અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા કરે છે.

આ સમગ્ર મામલે મનપા તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવવાની રાહ જોવાઈ રહી છે. જો તપાસમાં કોઈ અનિયમિતતા સામે આવશે તો સંબંધિત જવાબદારો સામે શું કાર્યવાહી થશે તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે