
અમદાવાદ શહેરમાં મેઘરાજાની અવિરત બેટિંગ આજે સવારથી ચાલુ છે. સવારે ૬થી ૭ વાગ્યા સુધીમાં થલતેજમાં ૧.૬૯ ઈંચ વરસાદ પડ્યો જ્યારે સાયન્સ સિટી, ચાંદલોડિયામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્્યો. અત્રે જણાવવાનું કે અમદાવાદના ૨૧ વિસ્તારોમાં સીઝનનો ૨૦ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આગામી ૩ દ્વિસ મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે.
અમદાવાદ શહેરમાં ફરી વરસાદની બેટિંગ જાવા મળી રહી છે. રવિવારે વિરામ બાદ આજે સોમવારે ફરીથી વરસાદે માઝા મૂકી છે. સવારે ૬થી ૭ વાગ્યા સુધીમાં થલતેજમાં સોથી વધુ વરસાદ નોંધાયો. એક જ કલાકમાં થલતેજમાં ૧.૬૯ ઈંચ વરસાદ પડ્યો. જ્યારે સાયન્સ સિટીમાં ૧.૬૭ ઇંચ વરસાદ પડ્યો.
અમદાવાદમાં વરસાદ પડવાનો ચાલુ થવાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાછા પાણી ભરાવવા લાગ્યા છે. બોપલની શ્રી શુભ સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી. બાપુનગર , નિકોલ, નરોડામાં પણ પાણી ભરાયા. બાપુનગર સંજયનગર પાસે ભરાયા પાણી. પાણીના નિકાલ માટે ટીમ પહોંચી છે. વોરાના રોજા,સરસપુરમાં પણ પાણી ભરાયા છે. થલતેજથી શિલજ જતા માર્ગે પાણી ભરાયા છે. જાહેર રસ્તા ઉપર ઝાડ પડતા અડધો રસ્તો બ્લોક થયો. મનપાની ટીમ પાણીના નિકાલ પાછળ કામગીરીએ લાગી છે. બીજી બાજુ ચાણક્યપુરીમાં પણ પાણી ભરાયા છે. થલતેજ એસ.જી હાઇવે ઉપર ભરાયા વરસાદી પાણી.
અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં આવેલી ઢાળની પોળમાં એક મકાન ધરાશાયી થયું છે. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી. શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે.
અમદાવાદ જિલ્લાનું ધોળકા પાણીમાં ગરકાવ થયું છે. વરસાદ રોકાયાને ત્રણ દિવસ વિત્યા છતાં પાણી ઓસર્યા નથી. કલીકુંડ સર્કલથી સરડવા રોડ પરની તમામ સોસાયટી પાણીમાં ગરકાવ જાવા મળી રહી છે. લોકોના ઘરમાં ઘુંટણ સમા પાણી ભરાયા છે. ઘરોનું ફર્નિચર જળમગ્ન થતાં લાખોનું નુકસાન થયું છે. સિદ્ધનાથ મહાદેવથી હજુ પણ પાણીનો આવરો ચાલુ છે. કલિકુંડ સર્કલપર ના તમામ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે. કોમ્પ્લેક્સના ભોંયરામાં પાણી ભરાતા દુકાનનો સરસામાનને નુકસાન થયું છે. વેપારીઓને વરસાદી પાણીને પગલે કરોડોનું નુકસાન થયું છે. ભોંયરાના પાણી ઉલેચવા વેપારીઓ વોટર પંપ મુક્યા. ત્રણ ત્રણ વાર પાણી ઉલેચ્યા હોવા છતાં ફરી પાણી ભરાયા છે.
પ્રમાણે જોઈએ તો સાઉથ ઝોન-નોર્થ ઝોનમાં ૧૬ ઈંચ, સેન્ટ્રલ ઝોન-વેસ્ટ ઝોનમાં ૨૦ ઈંચ, સાઉથ વેસ્ટ ઝોનમાં ૨૫.૨૭ ઈંચ, નોર્થ વેસ્ટ ઝોનમાં ૨૩.૬૫ ઈંચ, ઈસ્ટ ઝોનમાં ૧૩.૨૦ ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આગામી પાંચ દિવસ અમદાવાદમાં વરસાદ પડી શકે છે. ૩૧ જુલાઈથી ૧ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૭ તાલુકામાં મેઘ પ્રહાર જોવા મળી છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં ૩.૯ ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં ૩.૧૫ ઈંચ વરસાદ પડ્યો.