પ્રયાગરાજમાં એરફોર્સનું પ્લેન ક્રેશ, LIVE VIDEO:શહેરની વચ્ચોવચ હવામાં બેલેન્સ બગડ્યું, તળાવમાં જઈને પડ્યું; સ્થાનિકોએ 2 પાઇલટને બચાવ્યા

પ્રયાગરાજમાં એરફોર્સનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું. એરક્રાફ્ટ હવામાં ઉડતા-ઉડતા ડગમગ્યું અને તળાવમાં પડી ગયું. 2 સીટર એરક્રાફ્ટમાં સવાર બંને પાઇલટ સુરક્ષિત છે. અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં પેરાશૂટ સાથે એરક્રાફ્ટ પડતું દેખાઈ રહ્યું છે.

આ અકસ્માત બુધવારે બપોરે 12 વાગ્યે કેપી કોલેજની પાછળ થયો હતો. આ શહેરના મધ્યભાગનો વિસ્તાર છે. તળાવને અડીને શાળા અને રહેણાંક કોલોનીઓ છે. અહીંથી માઘ મેળાનું અંતર લગભગ 3 કિમી છે.

અકસ્માતના તરત જ બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે એરક્રાફ્ટ ક્રેશ થાય તે પહેલા બંને પાઇલટ પેરાશૂટથી કૂદી ગયા અને તળાવમાં પડ્યા. ત્યાં તેઓ કાદવમાં ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા.

થોડીવારમાં સેનાનું હેલિકોપ્ટર પણ પહોંચી ગયું. જોકે, જે તળાવમાં પ્લેન પડ્યું છે, ત્યાં ચારેય બાજુ જળકુંભી ઉગી નીકળી છે. આવા સંજોગોમાં એરક્રાફ્ટ સુધી કોઈ પણ ટીમ પહોંચી શકી નહીં. ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.