પાવી જેતપુરના ઝાબ પાણીબારનો કોઝવે ધોવાતા પંથકના ગામોને અવરજવરમાં મુશ્કેલી

પાવી જેતપુર તાલુકાના ઝાબ પાણીબાર ગામ પાસેનો કોઝવે ધોવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે કોઝવે તૂટી પડતાં આસપાસના અનેક ગામોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છોટા ઉદેપુર જીલ્લામાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. પાવી જેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. આ અવિરત વરસાદને કારણે ઝાબ પાણીબાર ગામ નજીકના ટોકરવા કોતરમાં ભારે પૂર આવ્યું હતું. કોતરમાં આવેલા પૂરે કોઝવેને ધોઈ નાખ્યો હતો. આ કોઝવે ધોવાઈ જતાં બોરધા, નાની અમરોલ, સજૂલી, દેગલા સહિતના પંથકના અન્ય ગામોના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ અંતરિયાળ વિસ્તારમાં ચોમાસા દરમિયાન કોતરોમાં વારંવાર પૂર આવે છે. આવા સમયે કોઝવે હોવાને કારણે લોકોને જીવનું જોખમ ખેડીને અવરજવર કરવી પડે છે. સ્થાનિકો દ્વારા આ કોઝવેના સ્થાને નાળું અથવા નાનો પુલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.