
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર હર્ષવર્ધન કાશીરામ પટેલને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. તેમણે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી થયેલા વિકાસ કાર્યોના બિલ મંજૂર કરવા માટે ₹11,500ની લાંચ સ્વીકારી હતી. આ ટ્રેપ 7 જુલાઈ, 2026ના રોજ ગોઠવવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ વર્ષ 2025માં ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ₹2,50,000ની સંરક્ષણ દિવાલ અને ₹5,00,000ના મજૂર કલ્યાણ કેન્દ્ર હોલનું નિર્માણ પોતાના સ્વ-ખર્ચે કરાવ્યું હતું. આ બંને કામોના બિલ મંજૂર કરવા માટે આરોપી હર્ષવર્ધન પટેલે 5 ટકા લેખે ₹37,000ની લાંચની માંગણી કરી હતી.
લાંચની રકમ અંગે રકઝક થયા બાદ ₹35,000 લેવાનું નક્કી થયું હતું. જોકે, ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. કવાંટ તાલુકા પંચાયત કચેરી, બાંધકામ શાખાની ઓફિસમાં ગોઠવવામાં આવેલી આ ટ્રેપ દરમિયાન આરોપી હર્ષવર્ધન પટેલે ફરિયાદી પાસેથી સંરક્ષણ દિવાલના કામ માટે ₹11,500ની લાંચની માંગણી કરી સ્વીકારી હતી, અને તે જ સમયે એસીબી દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. એસીબીએ લાંચની સ્વીકારેલી રકમ ₹11,500 રિકવર કરી છે.