પંચમહાલ કોંગ્રેસને મોટો ઝટકો : જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાયા

પંચમહાલ જિલ્લામાં રાજકીય રીતે મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા થયેલા આ રાજકીય પરિવર્તનને લઈને જિલ્લામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ દ્વારા આ રાજકીય ‘ઓપરેશન’ પાર પાડવામાં આવ્યું હતું. ચૂંટણીના ટાણે કોંગ્રેસના જિલ્લા પ્રમુખને ભાજપમાં જોડાવા માટે રાજી કરવામાં આવ્યા હતા, જેને ભાજપ માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી રહી છે.

ઘોઘંબા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ વિકાસ સંકલ્પ સભામાં ચેતનસિંહ પરમાર સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.ચૂંટણી પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખના ભાજપમાં જોડાવાને કારણે પંચમહાલ કોંગ્રેસ સંગઠન હવે સુકાની વિહોણું બન્યું છે. આ ઘટનાના રાજકીય પ્રભાવ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી શકે છે.