પંચમહાલ જીલ્લામાં સરકારી પી.ટી.સી.અભ્યાસક્રમ શરૂ કરવાની માંગ સાથે રાજ્યસભાના સાંસદે શિક્ષણ મંત્રીને લેખિત રજુઆત

રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે પંચમહાલ જિલ્લામાં સરકારી પી.ટી.સી. (પ્રાથમિક શિક્ષક તાલીમ પ્રમાણપત્ર) અભ્યાસક્રમ શરૂ કરવા માટે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને પત્ર લખી ભલામણ કરી છે. હાલ જિલ્લામાં આ અભ્યાસક્રમ ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સાંસદ ડૉ. પરમારે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, પંચમહાલ જિલ્લામાં સરકારી પી.ટી.સી. કોલેજ ન હોવાને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અન્ય જિલ્લાઓમાં જવાની ફરજ પડે છે. આના લીધે ગરીબ, આર્થિક રીતે નબળા અને આદિવાસી વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ શિક્ષક તાલીમના આ અભ્યાસક્રમથી વંચિત રહી જાય છે અને તેમના પર આર્થિક બોજો વધે છે.

તેમણે પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે, ગોધરા ખાતે આવેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) સંસ્થા પાસે પૂરતું શૈક્ષણિક માળખું, પ્રશિક્ષિત અને અનુભવી અધ્યાપકો તેમજ તમામ ભૌતિક સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. જો અહીં પી.ટી.સી. અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે તો પંચમહાલ અને તેની આસપાસના જિલ્લાના વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકશે.

આ ઉપરાંત, આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના યુવાનોને શિક્ષક બનવાની વધુ તકો પ્રાપ્ત થશે, જેથી પ્રાથમિક શિક્ષણ માટે કુશળ શિક્ષકો તૈયાર કરી શકાશે. સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે આશા વ્યક્ત કરી છે કે શિક્ષણ મંત્રી દ્વારા આ અંગે હકારાત્મક નિર્ણય લેવાશે, જે જિલ્લાના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે. શિક્ષણ વિભાગ આ અંગે ક્યારે મંજૂરી આપે છે તે જોવું રહ્યું.