
ગોધરા નજીક વિંઝોલ સ્થિત ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સહયોગથી અરણ્યરાગ નામનો લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં આદિવાસી લોકસંસ્કૃતિ, લોકસંગીત અને પંચમહાલ-મહીસાગર વિસ્તારની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનું જીવંત નિરૂપણ કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરિયાના માર્ગદર્શન હેઠળ આયોજીત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિનું જતન, સંવર્ધન અને તેના સમૃદ્ધ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સુજલભાઈ, અનંતભાઈ, ભવિષ્યભાઈ અને જેક્સભાઈએ આદિવાસી લોકગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. તેમની રજૂઆતને ઉપસ્થિત વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને મહેમાનો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.
કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરિયા અને કુલસચિવ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર કલાકારો, આયોજકો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ અને સાંસ્કૃતિક વારસાના પ્રસાર માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો