પંજાબમાં ઉજ્જવલા યોજના અટકી ગઈ છે: ૧.૨૧ લાખ લોકોએ એક પણ વાર સિલિન્ડર ભર્યા નથી

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પંજાબમાં અટકી પડી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં, ૧.૨૧ લાખ લોકોએ એક વાર પણ સિલિન્ડર ભર્યા નથી, જ્યારે ૯૯ હજાર લોકોએ ફક્ત એક જ વાર સિલિન્ડર ભર્યા છે. આનાથી યોજના પર પ્રશ્ર્નો ઉભા થયા છે.

ગરીબ પરિવારોને સ્વચ્છ રસોઈ ગેસ પૂરો પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ યોજનાના અમલીકરણમાં પડકારોને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર સરકારે લોક્સભામાં એક પ્રશ્ર્નના જવાબમાં આ આંકડા આપ્યા હતા. અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૩-૨૪માં, ૯૩,૬૨૨ લાભાર્થીઓએ એક વાર પણ તેમના સિલિન્ડર રિફિલ કર્યા ન હતા, જ્યારે ૧.૦૪ લાભાર્થીઓએ ફક્ત એક જ વાર તેમના સિલિન્ડર રિફિલ કર્યા હતા. વર્ષ ૨૦૨૨-૨૩માં સમાન આંકડા નોંધાયા હતા, જેમાં ૯૦,૨૩૩ લાભાર્થીઓએ તેમના સિલિન્ડર રિફિલ કર્યા ન હતા, જ્યારે ૮૮,૪૦૬ લાભાર્થીઓએ ફક્ત એક જ વાર તેમના સિલિન્ડર રિફિલ કર્યા હતા.

આ યોજના હેઠળ, સરકારે ગ્રાહકો માટે એલપીજી વધુ સસ્તું બનાવવાના ઉદ્દેશ્યથી મે ૨૦૨૨માં ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડર પર ૨૦૦ ની સબસિડી રજૂ કરી હતી. ઓક્ટોબર ૨૦૨૩ માં, સરકારે સબસિડી વધારીને ૩૦૦ પ્રતિ ૧૪.૨ કિલોગ્રામ સિલિન્ડર દીઠ કરી હતી, અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સમાન સબસિડી આપવામાં આવી રહી છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા યોજનાના તૃતીય-પક્ષ મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે પીએમ-ઉજ્જવલા યોજનાનો ગ્રામીણ પરિવારો, ખાસ કરીને દૂરના વિસ્તારોની મહિલાઓના જીવન પર નોંધપાત્ર હકારાત્મક પ્રભાવ પડ્યો છે. દરમિયાન, આવા ડેટાએ સરકાર માટે ચિંતા વધારી છે.

અહેવાલ મુજબ, રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો યોજનામાં જોડાયા હોવા છતાં, નોંધપાત્ર સંખ્યામાં લોકોએ યોજનાનો લાભ લેવામાં રસ દર્શાવ્યો નથી. ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલ સુધીમાં, લાભાર્થીઓની સંખ્યા ૧,૩૫૯,૨૫૬ હતી, જે ૨૦૨૩-૨૪ માં ૧,૩૫૯,૭૦૫ હતી. તેવી જ રીતે, ૨૦૨૨-૨૩ નાણાકીય વર્ષમાં, આ યોજના હેઠળ જોડાણ મેળવનારા લાભાર્થીઓની કુલ સંખ્યા ૧,૨૮૩,૯૭૬ હતી. છેલ્લા છ વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો, એક વર્ષ સિવાય લાભાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ સિલિન્ડર રિફિલ કરાવનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.

નિષ્ણાતો માને છે કે વધતી કિંમતો અથવા રિફિલિંગ પ્રક્રિયા વિશે પૂરતી માહિતીનો અભાવ લોકોને યોજનાનો લાભ લેતા અટકાવી રહ્યો છે. આ યોજના ખાસ કરીને એવા વિસ્તારોમાં પ્રભાવિત થાય છે જ્યાં નાણાકીય મુશ્કેલીઓને કારણે લાભાર્થીઓ નિયમિતપણે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરી શક્તા નથી. સરકાર અને રાજ્ય વહીવટીતંત્રે લાભાર્થીઓમાં જાગૃતિ લાવવા અને રિફિલિંગની સરળ સુલભતા સુનિશ્ર્ચિત કરવા માટે પગલાં લેવાની જરૂર છે.