
ઓનલાઇન ટ્રેડિંગ એપ ઝેરોધાના ફાઉન્ડર નિખિલ કામતે દુનિયાના સૌથી અમીર માણસ ઈલોન મસ્ક સાથે પોડકાસ્ટ કર્યું છે. કામતે શુક્રવારે પોતાના X હેન્ડલ પર વીડિયોનો એક ટીઝર શેર કર્યું, જેમાં ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ ઈલોન મસ્ક તેમના ‘WTF is?’ પોડકાસ્ટમાં જોવા મળી રહ્યા છે. 39 સેકન્ડનું આ ટીઝર બ્લેક એન્ડ વ્હાઈટ છે, જેમાં મસ્ક અને કામત કોફી પીતા અને હસતા દેખાઈ રહ્યા છે.
વીડિયોમાં મસ્ક અને કામત ખૂબ જ સહજતાથી વાત કરતા જોવા મળી રહ્યા છે, જે પોડકાસ્ટની અનઓફિશિયલ સ્ટાઈલને મેચ કરે છે. ટીઝરને 28 નવેમ્બરે સાંજે 7:36 વાગ્યે અપલોડ કરવામાં આવ્યું હતું, ત્યારથી એેને 40 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ચાહકોએ ટીઝરને સાચું માનવામાં થોડો સમય લીધો, કારણ કે કેટલાક લોકોએ કોમેન્ટમાં પૂછ્યું – ‘શું આ AI જનરેટેડ છે?’ પરંતુ મોટા ભાગના યુઝર્સ ખૂબ જ ઉત્સાહિત દેખાયા.
WTF પોડકાસ્ટ: બિલ ગેટ્સથી મોદી સુધીના મહેમાનો આવી ચૂક્યા છે
‘WTF is?’ પોડકાસ્ટ નિખિલ કામતનો વિચાર છે. પોડકાસ્ટમાં હાઇ પ્રોફાઈલ મહેમાનોને આમંત્રિત કરવામાં આવે છે અને ટેક્નોલોજી, બિઝનેસ, ઇનોવેશન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવે છે.
અત્યારસુધી એેમાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, બાયોટેક પાયોનિયર કિરણ મજુુમદાર-શો, બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર, ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણી, ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા, પર્પ્લેક્સિટી AIના અરવિંદ શ્રીનિવાસ અને વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલા જેવા દિગ્ગજો આવી ચૂક્યા છે.
2025માં પોડકાસ્ટમાં પીએમ નરેન્દ્ર મોદી આવ્યા હતા, જ્યાં તેમણે તેમના બાળપણ, દુનિયાની સમજ અને ભારતની ટેકનોલોજી વિશે વાત કરી હતી.
મસ્ક પાસેથી ટેક, સ્પેસ અને બિઝનેસ પર ચર્ચાની અપેક્ષા
ઈલોન મસ્કનું પોડકાસ્ટમાં આવવું ભારતીય શ્રોતાઓ માટે ખાસ છે, કારણ કે તેઓ ટેસ્લા, સ્પેસએક્સ, xAI અને X જેવા વૈશ્વિક પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા છે. લોકોને આશા છે કે એપિસોડમાં સ્પેસ એક્સપ્લોરેશન, AI, બિઝનેસ સ્ટ્રેટેજી અને વ્યક્તિગત સંઘર્ષો પર વાતચીત થશે.
ટીઝર પરથી લાગે છે કે વાતચીત કેઝ્યુઅલ રહેશે, જે મસ્કની શૈલી સાથે મેળ ખાય છે. નિખિલે અગાઉના એપિસોડ્સમાં મહેમાનોને અનપેક્ષિત પ્રશ્નો પૂછ્યા છે, તેથી અહીં પણ કોઈ આશ્ચર્ય હોઈ શકે છે. હાલમાં આ પોડકાસ્ટની રિલીઝ ડેટ કન્ફર્મ નથી.
મસ્કની કંપનીઓ વિશે જાણો…
ટેસ્લા: ટેસ્લાની સ્થાપના 2003માં માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગ દ્વારા કરવામાં આવી હતી. ઇલોન મસ્ક કંપનીના શરૂઆતી રોકાણકારોમાંના એક હતા અને ફેબ્રુઆરી 2004માં તેમણે ટેસ્લામાં મોટું રોકાણ કર્યું. ત્યાર બાદ મસ્ક ટેસ્લાના ચેરમેન અને પછી CEO બન્યા. ટેસ્લાનો ઉદ્દેશ ઇલેક્ટ્રિક વાહનોને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો અને સસ્ટેનેબલ એનર્જીને પ્રોત્સાહન આપવાનો હતો.
સ્પેસએક્સ: સ્પેસએક્સની શરૂઆત ઇલોન મસ્ક દ્વારા માર્ચ 2002માં કરવામાં આવી હતી. તેમનું સ્વપ્ન સ્પેસ લોન્ચનો ખર્ચ ઘટાડવાનો અને મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાનો હતો. સ્પેસએક્સે 2008માં પ્રથમ સફળ રોકેટ (ફાલ્કન 1) લોન્ચ કર્યું અને 2012માં એેની ડ્રેગન કેપ્સ્યુઅલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાઈ.
ન્યુરાલિંક: ન્યુરાલિંકની સ્થાપના ઇલોન મસ્ક દ્વારા 2016માં કરવામાં આવી હતી. આ કંપનીનો ઉદ્દેશ માનવ મગજ અને કોમ્પ્યુટરને જોડતી બ્રેઇન-મશીન ઇન્ટરફેસ ટેકનોલોજી વિકસાવવાનો છે. ન્યુરાલિંકનો હેતુ ન્યુરોલોજિકલ રોગોનો ઇલાજ કરવાનો અને ભવિષ્યમાં મનુષ્યોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે વધુ સારી રીતે જોડવાનો છે.