નેપાળમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળીઃ હિંસક અથડામણો પછી અનેક જિલ્લાઓમાં કર્ફ્‌યુ

ભારતની સરહદે આવેલા પડોશી કોશી પ્રાંતના સુનસારી જિલ્લામાં આ અઠવાડિયાની શરૂઆતમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. આ પછી, વધતી જતી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને નેપાળી અધિકારીઓએ ગુરુવારે મધેસ પ્રાંતના કેટલાક ભાગોમાં કર્ફ્‌યુ લાદ્યો. હિંસામાં એક વ્યક્તિનું મોત થયું અને અનેક લોકો ઘાયલ થયા.

મધેસ પ્રાંતના ધનુષા અને સિરાહા જિલ્લામાં કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. ધનુષાના સહાયક મુખ્ય જિલ્લા અધિકારી ભૂદેવ ઝાએ જણાવ્યું હતું કે ધનુષાના વિવિધ ભાગોમાં તણાવને કારણે સાવચેતીના પગલા તરીકે બપોરે ૩ઃ૩૦ વાગ્યાથી અનિશ્ચિત સમય માટે કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે, જેમાં લક્ષ્મીનિયા હાટબજાર, બેલૌની રોડ, નાગરૈન મ્યુનિસિપાલિટી, દૂધમતી બ્રિજ અને જનકપુરનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, સિરાહા જિલ્લાના જિલ્લા વહીવટી કાર્યાલય દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર, સિરાહા જિલ્લામાં પૂર્વ-પશ્ચિમ હાઇવેના ગોલબજાર વિસ્તારમાં બપોરે ૨ વાગ્યાથી કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે.

સોમવારે સૌપ્રથમ સુનસારી જિલ્લામાં કર્ફ્‌યુ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ બુધવારે તેને અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યો હતો. રવિવારે, કપ્તાનગંજ વિસ્તારમાં બે ધાર્મિક સમુદાયો દ્વારા ઉજવણી દરમિયાન વિવાદ થયો હતો. પોલીસે અથડામણ કરનારા જૂથોને વિખેરવા માટે ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે એકનું મોત થયું હતું અને સુરક્ષા કર્મચારીઓ સહિત એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.સહાયક મુખ્ય જિલ્લા અધિકારી પોશન લામિછાને ગુરુવારે જણાવ્યું હતું કે સુનસારી જિલ્લામાં સુરક્ષા પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે.

પરિસ્થતિને નિયંત્રણમાં લાવવા માટે, જિલ્લા વહીવટીતંત્રે પૂર્વ-પશ્ચિમ હાઇવે સહિત દસ વિસ્તારોમાં કર્ફ્‌યુ લંબાવ્યો છે. આ કર્ફ્‌યુ આગામી સૂચના સુધી અમલમાં રહેશે.કર્ફ્‌યુ હેઠળ, લોકોની અવરજવર, મેળાવડા, પ્રદર્શન, જાહેર સભાઓ અને વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ છે. વિવિધ સંવેદનશીલ વિસ્તારો અને સરકારી કચેરીઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

નેપાળી કોંગ્રેસના બસના થાપા અને લેબર કલ્ચર પાર્ટીના ઓરેન રાય સહિત અનેક સાંસદોએ ગુરુવારે સંસદમાં ભાષણ આપ્યું હતું, જેમાં સુનસારી સહિત દક્ષિણ નેપાળના જિલ્લાઓમાં વધતા તણાવ તરફ સરકારનું ધ્યાન દોર્યું હતું.વડાપ્રધાન બાલેન્દ્ર શાહે દેશની પરિસ્થિતિ, ખાસ કરીને સુનસારી જિલ્લામાં, સંબોધવા માટે રાષ્ટÙીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી છે. ભારતના બિહાર રાજ્યની સરહદ પર દક્ષિણપૂર્વ નેપાળમાં સ્થત સુનસારી, બંને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ પરિવહન અને વાણિજ્યિક કોરિડોર છે.