નવનીત ટીચિંગ ઇમ્પેક્ટ મિરર દ્વારા નવરચના પ્રાથમિક શાળા, ગોધરાના ગૌરવ સમાન શિક્ષક ઈમરાન ભાઈ સહિત પાંચ શિક્ષકો ધ બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરની નવરચના પ્રાથમિક શાળા, સાવલીવાડ ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને શિક્ષણ પ્રત્યેની સમર્પિત ભાવનાને બિરદાવતા શાળાના પાંચ શિક્ષકોને ધ બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નવનીત ટીચિંગ ઇમ્પેક્ટ મિરર દ્વારા આયોજીત આ સન્માનથી શાળા પરિવાર અને સમગ્ર શૈક્ષણિક જગતમાં આનંદ તથા ગૌરવની લાગણી પ્રસરી છે.

શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તકોનું જ્ઞાન પૂરૂ પાડવાનું માધ્યમ નથી, પરંતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર, તેમની આંતરિક શક્તિઓનો વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો પાયો છે. આ મહત્વપૂર્ણ જવાબદારીને નિષ્ઠા, મહેનત અને સમર્પણ સાથે નિભાવતા નવરચના પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોએ પોતાની શૈક્ષણિક કામગીરી દ્વારા વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

નવનીત ટીચિંગ ઇમ્પેક્ટ મિરર દ્વારા નવરચના પ્રાથમિક શાળાના આચાર્ય પઠાણ ફિરોઝખાન,શિક્ષક પોલા ઈમરાન, બિન્દ્રા વરીયા, સાહિસ્તા મિર્ઝા અને ઉમ્મેહાની મિર્ઝા એમ કુલ પાંચ શિક્ષકોની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને ધ બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નવનીત ટીમ દ્વારા તમામ પાંચ વિજેતા શિક્ષકોને ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સન્માન શિક્ષકોની શૈક્ષણિક પ્રતિબદ્ધતા, વિદ્યાર્થીઓ પ્રત્યેની જવાબદારી, શિક્ષણ કાર્યમાં નવીન અભિગમ અને સતત પ્રયત્નોની સરાહના સમાન છે. શિક્ષકનું કાર્ય માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત હોતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સંસ્કાર, શિસ્ત, આત્મવિશ્ર્વાસ અને જીવનમૂલ્યોનું સિંચન કરવાનું પણ હોય છે. આ દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને મળેલું આ સન્માન અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણા‚પ બની રહેશે.

ખાસ કરીને શિક્ષક પોલા ઈમરાન ને મળેલા આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવરચના પ્રાથમિક શાળા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શિક્ષણક્ષેત્રે શિક્ષકોની મહેનત અને સેવાભાવનાને યોગ્ય મંચ પર બિરદાવવામાં આવે ત્યારે શિક્ષણની ગુણવત્તા વધારવા માટે નવી પ્રેરણા અને ઉત્સાહનો સંચાર થાય છે.