છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રસ્તાની બિસ્માર હાલત અને તંત્રની કામગીરીને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. નસવાડી તાલુકાના ખરેડાથી દમોલી તરફ જતા માર્ગ પર આવેલા લો-લેવલના કોઝ-વેના સ્લેબમાં મોટો ભુવો પડી ગયો છે. જેના કારણે અહિંથી પસાર થતાં વાહનચાલકો માટે અકસ્માતનુ જોખમ ઉભું થયુ છે.
ખાસ કરીને વરસાદી માહોલમાં કોઝ-વે ઉપરથી પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યારે આ મોટો ખાડો પાણીમાં ઢંકાઈ જાય છે. પરિણામે વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી. અને વાહન સીધું જ ખાડામાં ખાબકે તેવી સ્થિતિ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ અનેક વાહનચાલકો આ સ્થળે મુશ્કેલીનો સામનો કરી ચુકયા છે. કોઝ-વે ઉપર પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે પરિસ્થિતિ વધુ જોખમી બની જાય છે. વાહનો ખાડામાં પટકાયા બાદ પાણીના ભારે પ્રવાહમાં તણાઈ જવાની ભિતી સેવાઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે આ સ્થળે જોખમ વધારે હોય છે. ખરેડાથી દમોલી તરફ જતો આ માર્ગ નસવાડી અને કવાંટ તાલુકાના અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ છે. જેના કારણે દિવસ દરમિયાન આ માર્ગ પર નાના-મોટા વાહનોની સતત અવર જવર રહે છે. તેમ છતાં કોઝ-વેના સ્લેબમાં પડેલા મોટા ભુવાના સમારકામ તરફ તંત્રનુ ધ્યાન ન જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.