નસવાડીના આમરોલીથી બોડેલી સુધીના કેનાલ પરના બેરિકેટ ન હટાવતા ખેડુતો આંદોલનના માર્ગે જશે

નસવાડી તાલુકાના આમરોલીથી બોડેલી સુધી કેનાલના રસ્તા ઉપર મારવામાં આવેલ બેરિકેટ ન હટાવતા આગામી દિવસોમાં ખેડુતો જલદ આંદોલન કરશે.

નસવાડી તાલુકામાંથી નર્મદા નિગમની મેઈન કેનાલ પસાર થાય છે. એની બાજુમાં નર્મદા નિગમે રસ્તો બનાવ્યો છે. જયારે કેનાલની બાજુમાં નસવાડી તાલુકાનુ આમરોલી રતનપુરા કોલંબા તેમજ બોડેલી તાલુકાના ૧૦ જેટલા ગામો આવેલા છે. જેઓ આ કેનાલના રસ્તે ખેડુતો પોતાના ગામે જાય છે. જયારે બેરિકેટ મારેલા હોવાથી ખેડુતોનો મોલ ખેતરોમાંથી લઈને ગામ સુધી જવા માટે મુશ્કેલી પડે છે. જયારે જે ખેડુતોએ પોતાની જમીન કેનાલ બનાવવા માટે અને રોડ બનાવવા માટે આપી હતી. તે જ ખેડુતોને આજે રસ્તા ઉપરથી પસાર થવા માટે નર્મદા નિગમ આવા બેરિકેટ મારી દે છે. ખેડુતોએ આ બાબતે નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજુઆત કરી હતી. પરંતુ ખેડુતોની રજુઆત સાંભળતા નથી. જયારે હવે આ ગામોના ખેડુતો બેરિકેટની સમસ્યાને ઈને આગામી દિવસોમાં આવનાર ચુંટણીમાં સબક શીખવાડવા માટેની તૈયારીઓ કરી રહ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. એક તરફ નર્મદા નિગમના વાંકે ખેડુતોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ નેતાઓ સાંભળતા નથી. જેને લઈ ખેડુતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.