વડોદરાની ખાનગી યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે વિદ્યાર્થીઓનો વિરોધ,એનએસયુઆઇએ તપાસ કમિટીની માગ કરી

વડોદરાની એક પ્રતિષ્ઠિત ખાનગી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને વિવાદ ઉભો થયો છે. હોસ્ટેલની મેસમાં મળતું ભોજન નબળી ગુણવત્તાનું અને ખાવા યોગ્ય ન હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીની હોસ્ટેલ મેસમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં નારાજગી છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેમને આપવામાં આવતું ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાને કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વહીવટી તંત્ર સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરી હતી. જોકે, વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે તેમની સમસ્યાનો યોગ્ય ઉકેલ ન આવતા વિરોધનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો.

ભોજનની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં રેલી યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં તેમને મળતી સુવિધાઓ અને ખાસ કરીને ભોજન તથા પાણીની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા હતા. વિદ્યાર્થીઓની માગ હતી કે તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવે અને મેસમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે યોગ્ય તપાસ કરવામાં આવે.

વિદ્યાર્થીઓના મુદ્દાને લઈને નેશનલ સ્ટુડન્ટ્‌સ યુનિયન ઓફ ઈન્ડિયાના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કાર્યકરોએ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. આવેદનપત્ર મારફતે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં મળતા ભોજન અને પાણીની ગુણવત્તા અંગે તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

એનએસયુઆઇ દ્વારા જિલ્લા પ્રશાસન સમક્ષ મુખ્યત્વે નિષ્પક્ષ તપાસ કમિટી રચવાની માગ કરવામાં આવી છે. આ કમિટી દ્વારા હોસ્ટેલની મેસમાં આપવામાં આવતા ભોજન અને પાણીની ગુણવત્તાની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. એનએસયુઆઇના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમની ફી લેવામાં આવે છે, પરંતુ તેના પ્રમાણમાં તેમને પાયાની સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત ભોજન મળતું નથી. સંગઠનનું કહેવું છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે જોડાયેલા મુદ્દે બેદરકારી ચલાવી શકાય નહીં. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન તથા પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત તંત્રની છે. એનએસયુઆઇએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થી ઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે અને હોસ્ટેલના ભોજન તથા પાણીની ગુણવત્તા અંગે તપાસ હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.