નસવાડી માથાજલધુની પ્રા.શાળાના જર્જરીત ઈમારતને લઈ ખાનગી મકાનમાં અભ્યાસ કરવા મજબુર

નસવાડી તાલુકાના અંતરિયાળ માથાજલધુની ગામની પ્રાથમિક શાળાના આશરે ૨૦ બાળક જર્જરિત ઇમારતને કારણે ખાનગી મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ધોરણ ૧થી ૫ના આ બાળકોને પૂરતા પ્રકાશ વિના અંધારામાં ભણવું પડે છે, જે છોટા ઉદેપુર જીલ્લામાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે.

માથાજલધુની પ્રાથમિક શાળાની ઇમારત છેલ્લા ત્રણ વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં છે. તેની દીવાલો ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે અને ચોમાસા દરમિયાન છતમાંથી પાણી ટપકે છે.

આ જોખમી પરિસ્થિતિને કારણે વરસાદ શ‚ થતાં બાળકોને શાળાની બહાર પતરાના શેડ નીચે ભણાવવામાં આવતા હતા.

તંત્રના ધ્યાને આ બાબત આવતા, એક અઠવાડિયા પહેલા બાળકોના અભ્યાસ માટે નજીકમાં આવેલા ઈંટોના ચણતરવાળા પતરા અને નળિયાના એક ખાનગી મકાનમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

જોકે, વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઉપયોગમાં લેવાઈ રહેલા આ ખાનગી મકાનમાં પૂરતો પ્રકાશ નથી. ઘર માલિક દ્વારા લગાવવામાં આવેલા એક બલ્બના અજવાળે માંડ જોઈ શકાય તેટલો પ્રકાશ મળે છે. શાળામાં અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી બાળકોને અંધારામાં જ અભ્યાસ કરવો પડે છે.

જર્જરિત શાળા હોવા છતાં, નવી ઇમારત બનાવવા માટે સમયસર કાર્યવાહી થઈ ન હતી. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા પંદર દિવસ અગાઉ નવી શાળા બનાવવા માટેની દરખાસ્ત મંગાવવામાં આવી હોવાનું જણાવાયું છે.

હાલ માથાજલધુની પ્રાથમિક શાળાના બાળકોને અયોગ્ય વાતાવરણમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. નવી શાળાના નિર્માણ અને બાળકોને ભૌતિક સુવિધાસભર વાતાવરણ પૂ‚ં પાડવા અંગેની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. આ મામલે નાયબ જીલ્લા શિક્ષણાધિકારી ડો. અનિલ રાઠવાએ જણાવ્યું કે, “નસવાડી તાલુકાની માથાજલધુની પ્રાથમિક શાળા અંતરિયાળ વિસ્તારમાં ડુંગર પર આવેલી છે. તેનું મકાન જર્જરિત થયું છે. શાળાના આચાર્યને જણાવીને અમે નવી શાળા માટેની દરખાસ્ત કરાવી દીધી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શ‚આતમાં બાળકો પતરાના શેડ નીચે બેસતા હતા. પરંતુ તે ધ્યાને આવતા અમે નજીકના એક પાકા મકાનમાં બાળકોને બેસવાની વ્યવસ્થા કરી છે. અન્ય જે તકલીફો છે તેની તપાસ કરાવીને બાળકોને જોઈતી તમામ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવશે.