
સંખેડા તાલુકાના બહાદરપુર ગામમાં બહાદરપુર ટાવરથી સ્વામિનારાયણ મંદિર થઈ તલાવડી સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા બે વર્ષથી જર્જરિત હાલતમાં છે. રસ્તા પર ઊંડા ખાડાઓને કારણે વાહનચાલકો, શાળાના બાળકો, દર્દીઓ અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બહાદરપુરના સરપંચ ભૌમિકભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર, આ રસ્તાના નવીનીકરણ માટે એક વર્ષ અગાઉરૂ.૩૦ લાખની પ્રાથમિક મંજૂરી મળી હતી. જોકે, વહીવટી મંજૂરી ન મળવાને કારણે કામ શરૂથઈ શક્યું નથી.
ગ્રામજનોનો આક્ષેપ છે કે, નેતાઓ માત્ર આશ્ર્વાસનો આપી રહ્યા છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, પંચાયત તંત્ર દ્વારા હાલમાં રસ્તા પર કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું છે. જોકે, ગ્રામજનોને ભય છે કે આ કામગીરી થોડા જ દિવસોમાં ફરીથી બિસ્માર થઈ જશે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે, તંત્ર માત્ર કામચલાઉ સમારકામ કરીને સંતોષ માની રહ્યું છે. તેમણે જવાબદાર અધિકારીઓ અને તંત્ર પાસે તાત્કાલિક પાકા રસ્તાનું કામ હાથ ધરવાની ઉગ્ર માંગ કરી છે.જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ગ્રામજનોને આ જ હાલાકીનો સામનો કરવો પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે.