નારોલમાં મકાનનું તાળું તોડી થયેલી ચોરીના કેસમાં ત્રણની ધરપકડ, રૂ. ૧૪.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત

નારોલમાં ઘરફોડ ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે યુવકો અને એક કિશોરની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રૂ. ૧૪.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. નારોલ વિસ્તારમાં ૧૯ ઓક્ટોબરે મકાનનું તાળું તોડીને ચોરી થઈ હતી, જેનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં વધતા ચોરીના બનાવો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. નારોલમાં મકાનનું તાળું તોડીને લાખો રૂપિયાની ચોરી થઈ હતી, અને આ ગુનાનો પર્દાફાશ કરવામાં ટીમને મોટી સફળતા મળી છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧૪,૩૫,૫૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં રૂ. ૧૩.૦૨ લાખના સોના-ચાંદી અને ધાતુના દાગીના, રૂ. ૨૨,૭૭૦ રોકડ, એક એક્સેસ સ્કૂટર, બે મોબાઈલ ફોન તથા ચોરીના દાગીનાના ૧૪ બિલ સહિતની અન્ય ચીજવસ્તુઓ સામેલ છે. આ ગુનામાં કુલ રૂ. ૧૯.૧૦ લાખની ચોરી થઈ હતી. તેમાંથી પોલીસે મોટો હિસ્સો રિકવર કર્યો છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી અને ટેકનીકલ સર્વેલન્સના આધારે બે યુવકો અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી લીધા છે.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપીઓ સામે અગાઉ પણ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે. એક આરોપી વટવા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતો, જ્યારે બીજા અમરાઈવાડી પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં વોન્ટેડ હતો.

આગળની તપાસ અને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયને નારોલ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. પોલીસે તેઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ સઘન તપાસ હાથ ધરી છે.