
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક પાસે બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવાની તક છે. જા સ્ટાર્ક બે ટેસ્ટમાં પાંચ વિકેટ લે છે, તો તે ઘરઆંગણે ૪૦૦ કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ મેળવનાર ફક્ત ત્રીજા ઓસ્ટ્રેલિયન બોલર બનશે. તેમના પહેલા ફક્ત દિગ્ગજ સ્પિનર શેન વોર્ન અને દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ આ સિદ્ધિ મેળવી છે. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ૧૩ ઓગસ્ટથી શરૂ થવાની છે. શ્રેણીની પહેલી મેચ ડાર્વિનના મારારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરનાર સ્ટાર્ક આ મેચમાં બીજી મોટી સિદ્ધિ મેળવવા પર નજર રાખશે.
સ્ટાર્કે ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી રમાયેલી ૧૩૮ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૯૫ ઇનિંગ્સમાં ૩૯૫ વિકેટ લીધી છે. પાંચ વિકેટ લેવાથી તે ઘરેલુ મેદાન પર ૪૦૦ આંતરરાષ્ટ્રીય વિકેટો પૂર્ણ કરશે. ૨૦૨૫-૨૬ એશિઝ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્ટાર્ક હાલમાં ઉત્તમ ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા માટે ઘરઆંગણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેવાનો રેકોર્ડ શેન વોર્નના નામે છે. વોર્ને ૧૯૯૨ થી ૨૦૦૭ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ૧૫૩ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં ૨૧૨ ઇનિંગ્સમાં ૪૫૩ વિકેટ લીધી હતી. દરમિયાન, ગ્લેન મેકગ્રાથે ૧૯૯૪ થી ૨૦૦૭ દરમિયાન પોતાના ૧૪ વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ઘરઆંગણે ૧૬૧ મેચોની ૨૨૬ ઇનિંગ્સમાં ૪૪૯ વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા માટે ઘરઆંગણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટો
શેન વોર્ન – ૪૫૩ વિકેટો,ગ્લેન મેકગ્રા – ૪૪૯ વિકેટો,મિશેલ સ્ટાર્ક – ૩૯૫ વિકેટો,બ્રેટ લી – ૩૬૦ વિકેટો
ઘરઆંગણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટોનો વિશ્વ રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. મુથૈયા મુરલીધરને ૬૪૭ વિકેટો લીધી હતી. ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન ૫૭૯ વિકેટો સાથે બીજા ક્રમે છે અને સ્ટુઅર્ટ બ્રોડ ૫૦૯ વિકેટો સાથે ત્રીજા ક્રમે છે.સ્ટાર્ક પાસે ઘરઆંગણે ૪૦૦ વિકેટો સુધી પહોંચવાની તક જ નથી. બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં, તે બીજા મોટા ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડ તરફ પણ આગળ વધી રહ્યો છે. સ્ટાર્કે ૧૦૫ ટેસ્ટ મેચોમાં ૪૩૩ વિકેટ લીધી છે અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં કપિલ દેવ અને ડેલ સ્ટેનને પાછળ છોડી દેવાની નજીક છે. ડેલ સ્ટેનના નામે ૪૩૯ ટેસ્ટ વિકેટ છે. સ્ટાર્કને સ્ટેનને પાછળ છોડી દેવા માટે સાત વિકેટની જરૂર છે. બીજી તરફ, કપિલ દેવે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૪૩૪ વિકેટ લીધી હતી. સ્ટાર્કને કપિલ દેવને પાછળ છોડી દેવા માટે ફક્ત બે વિકેટની જરૂર છે.