
કેન્દ્ર સરકારે દેશભરના લાખો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સારા સમાચાર જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વીન્ટલ ૨૫ નો વધારો મંજૂરી આપી છે. આ પછી, ૨૦૨૭-૨૮ રવિ માર્કેટિંગ સીઝન માટે ઘઉંનો એમએસપી વધીને ૨,૬૧૦ પ્રતિ કવીન્ટલ થયો છે. અગાઉ, ૨૦૨૬-૨૭માં ઘઉંનો એમએસપી પ્રતિ કવીન્ટલ ૨,૫૮૫ હતો. સરકારના મતે, આ નિર્ણયનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે વધુ સારી કિંમત પૂરી પાડવાનો અને ઉત્પાદન ખર્ચ કરતાં પર્યાપ્ત માર્જિન સુનિશ્ચિત કરવાનો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઘઉંનો ઉત્પાદન ખર્ચ આશરે ૧,૨૬૪ પ્રતિ ક્વીન્ટલ છે. તેની તુલનામાં, સરકારે ૨૦૨૭-૨૮ માટે એમએસપી પ્રતિ ક્વીન્ટલ ૨,૬૧૦ નક્કી કર્યો છે. આનો અર્થ એ થયો કે ઘઉંનો એમએસપી ઉત્પાદન ખર્ચ કરતાં બમણાથી વધુ છે. ઘઉં દેશનો મુખ્ય રવિ પાક છે. તેની વાવણી સામાન્ય રીતે ઓક્ટોબરમાં શરૂ થાય છે, જ્યારે લણણી એપ્રિલમાં શરૂ થાય છે. આવી સ્થિતિમાં, ખેડૂતો માટે નવા એમએસપીની જાહેરાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સરકારે માત્ર ઘઉં માટે જ નહીં પરંતુ પાંચ અન્ય રવિ પાક માટે પણ એમએસપીમાં વધારો કર્યો છે. જવ માટે એમએસપી ૨,૧૫૦ થી વધારીને ૨,૨૮૬ પ્રતિ ક્વીન્ટલ કરવામાં આવ્યો છે. કઠોળમાં, ચણા માટે એમએસપી ૫,૮૭૫ થી વધારીને ૫,૯૫૮ અને મસૂર માટે ૭,૦૦૦ થી વધારીને ૭,૩૯૦ પ્રતિ ક્વીન્ટલ કરવામાં આવ્યો છે. તેલીબિયાં પાકોમાં, સરસવ માટે એમએસપી ૬,૨૦૦ થી વધારીને ૬,૬૧૩ અને કુસુમ માટે ૬,૫૪૦ થી વધારીને ૭,૨૧૫ પ્રતિ ક્વીન્ટલ કરવામાં આવ્યો છે.
સરકારી અંદાજ મુજબ, ૨૦૨૭-૨૮ માર્કેટિંગ સિઝનમાં આશરે ૩૨.૪ મિલિયન ટન રવિ પાકની ખરીદી માટે ખેડૂતોને કુલ ૯૦,૯૬૨ કરોડ ચૂકવવામાં આવશે.એમએસપી કૃષિ ખર્ચ અને કિંમતો આયોગની ભલામણોના આધારે નક્કી કરવામાં આવે છે. તે ઉત્પાદન ખર્ચ, સ્થાનિક અને વૈશ્વીક ભાવ વલણો અને હવામાન સંબંધિત જાખમોને ધ્યાનમાં લે છે.
કૃષિ મંત્રાલયે ૨૦૨૬-૨૭ પાક વર્ષ માટે ૧૨૧ મિલિયન ટન ઘઉંના ઉત્પાદન લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઘઉંના એમએસપીમાં વધારાથી ખેડૂતોને સારા ભાવ મળવાની અપેક્ષા છે. સરકારનું ધ્યાન ઉત્પાદન વધારવા અને ખેડૂતોને તેમના ખર્ચની તુલનામાં વાજબી વળતર આપવા પર છે. ખેડૂતો માટે ભેટ ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મંત્રીમંડળની બેઠકમાં બે અન્ય મુખ્ય નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી, જેની દેશ પર દૂરગામી અસર પડશેઃ
રવી પાક માટે નવી એમએસપીઃ ઘઉં અને મસૂર જેવા મુખ્ય પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
પીએમ ધારા યોજનાઃ નવીનીકરણીય ઉર્જાને ગ્રીડ સાથે જોડવા અને દેશમાં સરળ ટ્રાન્સમિશન સુનિશ્ચિત કરવા માટે પીએમ ધારા નામનો એક મહત્વપૂર્ણ અને લાંબા ગાળાનો સ્માર્ટ ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમ મંજૂર કરવામાં આવ્યો છે.
દિલ્હી માટે આઇટીએમએસઃ રાજધાની દિલ્હીમાં ટ્રાફિક વ્યવસ્થાને આધુનિક અને સુવ્યવસ્થિત કરવા માટે, ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.