મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે મીની ટ્રેક્ટર અને આનુષંગિક સાધનોની ખરીદી પર સહાય યોજના માટે અરજીઓ માંગવામાં આવી

ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. વર્ષ 2025-26 માટે સામાન્ય જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મીની ટ્રેક્ટર , મીની રોટાવેટર, મીની કલ્ટીવેટર, મીની ટ્રેલર અને મીની પાણીનું ટેન્કર જેવા આવશ્યક કૃષિ સાધનોની ખરીદી પર સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક સાધનોની મદદથી ખેતીની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરવાનો છે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક મહીસાગર જીલ્લાના ખેડૂતમિત્રોએ રાજ્યના નવીન આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર તાત્કાલિક અરજી કરવાની રહેશે. પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા તા. 01/12/2025 થી તા. 10/12/2025 સુધીની છે. ખેડૂતોએ પોર્ટલ પર જ અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી ક્ધફર્મ કરવાની રહેશે. ક્ધફર્મ થયા બાદ અરજીની પ્રિન્ટ કાઢીને ખેડૂતોએ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે.

અરજીની મંજૂરી મળ્યા બાદ, સહાયની રકમ (ક્લેઈમ) મેળવવા માટે ખેડૂતોએ આ અરજીની નકલ, સહી સાથેના જરૂરી સાધનિક કાગળો સહિત, નાયબ બાગાયત નિયામકની કચેરી, બ્લોક નંબર-14, પહેલો માળ, સરદાર પટેલ વિદ્યાલયની બાજુમાં, ચાર કોશિયા નાકા, મોડાસા રોડ, લુણાવાડા, જી. મહીસાગર ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે. મહીસાગર જીલ્લાના સર્વે ખેડૂતોને વિનંતી છે કે, આ સમયમર્યાદાનું ધ્યાન રાખીને વહેલી તકે યોજનાનો લાભ લેવા માટે અરજી કરે.