કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ૧૪ ઓગસ્ટ સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.
મહીસાગર જીલ્લામાં જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ સરકારી કચેરીઓમાં કામ અર્થે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે હેતુથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ સી.વી. લટા દ્વારા એક મહત્વપૂર્ણ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહીસાગર જીલ્લાના તમામ સેવા સદનો અને સરકારી કચેરીઓની આસપાસના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા, સભા યોજવા કે સરઘસ કાઢવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ આદેશ આગામી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૬ના શૂન્ય કલાકથી અમલી બની ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ના ૨૪:૦૦ કલાક સુધી સમગ્ર જીલ્લામાં પ્રભાવશાળી રહેશે.
આ જાહેરનામા અનુસાર મહીસાગર જીલ્લા સેવા સદન સહિત લુણાવાડા, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર, કડાણા અને ખાનપુર (બાકોર) તાલુકા સેવા સદન તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડથી ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આ મનાઈ હુકમ લાગુ પડશે. આ નિર્ધારિત વિસ્તારોમાં સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર ધરણા કરવા, રેલી કાઢવી, પ્રતીક ઉપવાસ પર બેસવા કે ભૂખ હડતાળ જેવી પ્રવૃત્તિઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ જાહેરનામાના અમલ દરમિયાન કેટલીક આવશ્યક સેવાઓ અને પ્રસંગોને મુક્તિ આપવામાં આવી છે. ફરજ પરના સરકારી કર્મચારીઓ, હોમગાર્ડ્સ, લગ્નના વરઘોડા તેમજ સ્મશાનયાત્રાને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ ઉપરાંત સરકાર દ્વારા આયોજીત સત્તાવાર કાર્યક્રમો કે અભિયાનો અને સક્ષમ અધિકારી દ્વારા ખાસ કિસ્સામાં આપવામાં આવેલી પરવાનગી ધરાવતી વ્યક્તિઓને આ મનાઈ હુકમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.