
કોઠંબા ગામ ખાતે ૫૧ રાજ્ય સરકાર હસ્તકની સંસ્થાઓ ખાતે કુલ ૨૭૬KW ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે
મહીસાગર કલેકટર કચેરી ખાતે કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને DLC (District Level Committee) ની મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી.આ બેઠક દરમિયાન ‘પી.એમ.સૂર્ય ઘર: મુફ્ત બીજલી યોજના’ અંતર્ગત પસંદગી પામેલ મહીસાગર જિલ્લાના કોઠંબા ગામ માટે ડીટેલ પ્રોજેકટ રિપોર્ટ (DPR) ને સત્તાવાર મંજૂરી આપવામાં આવેલ હતી.
ઉલેખનીય છે કે મહીસાગર જીલ્લામાં તારીખ.૦૧-૦૪-૨૦૨૫ થી ૩૦-૦૯-૨૦૨૫ ના સમયગાળા દરમિયાન યોજાયેલ સ્પર્ધામાં સૌથી વધારે સોલર ક્ષમતા ધરાવતા ગામ તરીકે કોઠંબાની મોડલ સોલર વિલેજ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
આ મંજૂર થયેલ પ્રોજેકટ રિપોર્ટ મુજબ કોઠંબા ગામના કુલ ૫૧ સરકારી તથા જાહેર વીજ જોડાણો જેવા કે આંગણવાડી, ગ્રામ પંચાયત ઓફિસ, પ્રાથમિક શાળા, વોટર વર્કસ, પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ ૨૭૬ KW ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.
આ સમગ્ર પ્રોજેકટ પાછળ અંદાજિત રૂ. ૧ કરોડ નો ખર્ચ કરવામાં આવશે આ સોલર સિસ્ટમ કાર્યરત થવાથી ગામને દર વર્ષે અંદાજે રૂ. ૩૨.૨૩ લાખની સરકારી વીજ ખર્ચમાં બચત થશે અને પર્યાવરણપૂરક ઉર્જાનો ઉપયોગ વધશે. આ બેઠકમાં એમ.જી.વી.સી.એલ. ના અધિકારીઓ સહિત ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.