મહીસાગર જીલ્લામાં “હર ઘર તિરંગા અભિયાન અને “તિરંગા યાત્રા ની ભવ્ય ઉજવણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

લુણાવાડા કલેક્ટર કચેરીથી આઝાદ મેદાન સુધી ૧૩ ઓગસ્ટના રોજ એક ભવ્ય “તિરંગા યાત્રા” યોજાશે

આગામી ૧૫મી ઓગષ્ટ, સ્વાતંત્ર્ય દિન-૨૦૨૬ નિમિત્તે મહીસાગર જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાનની શાનદાર ઉજવણી કરવા માટે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકાના તમામ અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

રાજ્ય સરકારની સૂચના મુજબ આગામી તા. ૦૯/૦૮/૨૦૨૬ થી તા. ૧૭/૦૮/૨૦૨૬ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વંદે માતરમના ૧૫૦ વર્ષની થીમ આધારિત “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં તા. ૧૩/૦૮/૨૦૨૬ ના રોજ કલેક્ટર કચેરીથી આઝાદ મેદાન સુધી એક ભવ્ય “તિરંગા યાત્રા” યોજાનાર છે અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ૧૪/૦૮/૨૦૨૬ ના રોજ લુણાવાડા પી એન પંડ્યા કોલેજ ખાતે યોજાશે. આ યાત્રા અને અન્ય કાર્યક્રમોના સુચારૂ આયોજન તેમજ સંચાલન માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ અધિકારીઓને ચોક્કસ કામગીરી સુપ્રત કરવામાં આવી હતી.

આ બેઠકમાં “તિરંગા યાત્રા” માં પૂરતો પોલીસ બંદોબસ્ત, પોલીસ બેન્ડ અને રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. યાત્રામાં NCC કેડેટ્સ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સખી મંડળોની વિશાળ જનભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે. આ ઉપરાંત, શાળા અને કોલેજ કક્ષાએ વંદે માતરમ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સ્વાતંત્ર્ય સંગ્રામ આધારિત રંગોળી તેમજ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા અને તાલુકા કક્ષાએ બાઈક, સાયકલ અને ઈ-બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના પ્રસ્થાન અને સમાપન સ્થળ તથા રૂટ પર પીવાના પાણીની વ્યવસ્થા તેમજ કોઈ પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવશે.

કાર્યક્રમના ડિજિટલ પ્રચાર-પ્રસારના ભાગરૂપે નાગરિકોને ‘હર ઘર તિરંગા’ પોર્ટલ પર ‘સેલ્ફી વિથ તિરંગા’ અપલોડ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેમાં તિરંગો અને વંદે માતરમ ગાનનું પૂર્ણ સ્વરૂપ દ્રશ્યમાન હોય તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. બેઠકના અંતે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને આ હુકમ અને સોંપાયેલી કામગીરીની ચુસ્તપણે અમલવારી કરવા તાકીદ કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી વી લટા સહિત જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.