મહિસાગરની બાબલીયા ચોકડી પર ગુજરાતની નંબર પ્લેટ કાર આવતા પોલીસે તપાસ કરતા કાર રાજસ્થાન પાર્સિંગની હતી. કાર પર ગુજરાતનો ખોટો નંબર લગાવીને આવતા પોલીસે ચાલકને પકડી પાડીને બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
મહિસાગર જિલ્લાના ખાનપુરના બાબલીયા ચોકડી પાસે એલસીબી પોલીસ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ગ્રે કલરની ક્રેટા ગાડી નં.-જીજે-06-પી.ઈ.-3474 ને રોકીને કાગળીયા માંગ્યા હતા. પોલીસને કાર નંબર શંકાસ્પદ લાગતા પોલીસે કારનો નંબર સર્ચ કરતા નંબર સ્કુટીનો હોવાનુ બહાર આવ્યુ હતુ. પોલીસે કારની તપાસ કરતા ચેચીસ અને પાર્સિંગ નંબર ચેક કરતા રાજસ્થાન પાર્સિંગની હતી. ક્રેટા ગાડીની ડ્રાઈવરની પુછપરછ કરતા ગાડીની નંબર પ્લેટ ખોટી હોવાની કબુલાત કરી હતી. તપાસ કરવામાં આવતા ગાડીનો સાચો રજીસ્ટ્રેશન નંબર આર.જે.-36-સી.એ.-8880 નો હોવાનુ જણાઇ આવ્યુ હતુ. તેમજ પોલીસે તપાસ કરતા ક્રેટા ગાડીમાંથી અન્ય ડુપ્લિકેટ નંબર પ્લેટો મળી આવી હતી. પોલીસે કાર ચાલક અશોક મોહનલાલજી બિશ્ર્નોઈ (ઉ.વ.21, રહે.વાડા વાડવી, જિ.જાલોર, રાજસ્થાન)ને પકડી પાડીને તેની વિરુદ્ધ બાકોર પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.