
શેરબજારમાં પ્રી-આઇપીઓ એલોટમેન્ટ અપાવવાના બહાને વધુ નફાની લાલચ આપીને સાયબર ઠગોએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા લેબ ટેકનિશિયન સાથે અંદાજે ૬૯.૬૩ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આવેલી એક જાહેરાતથી શરૂ થયેલો સંપર્ક અંતે લાખોની છેતરપિંડી માં ફેરવાયો. સમગ્ર મામલે ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી અને સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતી રોશનીબેન જીગ્નેશભાઈ પ્રજાપતિએ ૨ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ઈન્સ્ટાગ્રામ પર શૂન્ય ફાળવણીથી કંટાળી ગયા છે શીર્ષકવાળી આઇપીઓ સંબંધિત જાહેરાત જોઈ હતી.જાહેરાત પર કલીક કર્યા બાદ તેમણે પોતાનું નામ અને પાન કાર્ડની વિગતો ભરી હતી.
વિગતો ભર્યા બાદ તેમને આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટ-૫’ નામના વોટ્સએપ ગ્રૂપમાં જોડવામાં આવ્યા હતા. અહીં પ્રી-આઇપીઓ રોકાણથી મોટા નફાની ચર્ચાઓ થતી હતી. ત્યારબાદ પોતાને ‘યતીન શાહ’ તરીકે ઓળખાવનાર વ્યક્તિએ મહિલાનો સંપર્ક કરીને ઁડ્ઢહ્લ ફાઈલ અને એક લિંક મોકલી હતી.તેમાં એગ્રીમેન્ટ અને નોમિની ફોર્મ ભરાવી સહી કરાવી અને પછી યુઝરનેમ-પાસવર્ડ આપીને નકલી રોકાણ પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવામાં આવ્યું.
સાયબર ઠગોએ શરૂઆતમાં મહિલાને ૨ લાખ ટ્રાન્સફર કરવા કહ્યું. રોકાણ બાદ એપમાં મોટો નફો દર્શાવવામાં આવ્યો અને વિશ્વાસ વધે તે માટે મહિલાને લગભગ ૬૮ હજાર ઉપાડવાની પણ મંજૂરી આપી.આથી મહિલાને સમગ્ર યોજના સાચી હોવાનું લાગ્યું અને ત્યારબાદ તેણે અલગ-અલગ બેંક ખાતાઓમાં તબક્કાવાર મોટી રકમ ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું.
પોલીસ ફરિયાદ મુજબ, મહિલાએ વિવિધ હપ્તામાં કુલ અંદાજે ૬૯.૬૩ લાખ આરોપીઓના જણાવ્યા મુજબના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા.બાદમાં નકલી એપમાં રોકાણ પર ૧ કરોડથી વધુનો નફો બતાવવામાં આવ્યો. જ્યારે મહિલાએ પોતાની મૂડી અને નફો પરત માંગ્યો ત્યારે આરોપીઓએ ‘પ્રોફિટ રિલીઝ’ માટે વધુ ૧૦ ટકા રકમ જમા કરાવવાની માંગ કરી.ત્યારબાદ પણ પૈસા પરત ન મળતા અને સતત વધુ નાણાંની માંગ થતા મહિલાને છેતરપિંડીનો અહેસાસ થયો.
ભોગ બનનાર મહિલાએ તરત જ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગાંધીનગર રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને સમગ્ર નાણાકીય ટ્રાન્ઝેક્શન તેમજ આરોપીઓના ડિજિટલ ટ્રેલની તપાસ શરૂ કરવામાં આવી છે.