મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો આવી સામે આવી છે. મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જિલ્લામાં સગીર વયની કિશોરીઓના ગર્ભવતી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ આંકડા સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય અને લાલબત્તી સમાન છે. રિપોર્ટ અનુસાર, એપ્રિલ ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળામાં જિલ્લામાં કુલ ૩૪૧ સગીરાઓ ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. આ આંકડો ૧૪ થી ૧૭ વર્ષની વયજૂથની કિશોરીઓનો છે.
મહેસાણા જિલ્લામાં એપ્રિલ ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળામાં સગીરાઓ ગર્ભવતી હોવાના આંકડાની વાત કરવામાં આવે તો, જિલ્લામાં માત્ર ૯ જ મહિનામાં આવા ૩૪૧ મામલા નોંધાયા છે. જેમાં ૧૪ વર્ષની ૨ કિશોરીઓ, ૧૫ વર્ષની ૩૪ કિશોરીઓ, ૧૬ વર્ષની ૭૬ કિશોરીઓ, ૧૭ વર્ષની ૨૨૯ કિશોરીઓનો સમાવેશ થાય છે. આમ ૧૪ વર્ષથી ૧૭ વર્ષની કુલ ૩૪૧ કિશોરીઓ ગર્ભવતી નોંધાઈ છે.
મહેસાણા જિલ્લામાં નોંધાયેલા આ કિસ્સાઓમાં સૌથી વધુ સગીરાઓ ગર્ભવતી હોવાના મામલા કડી તાલુકામાં નોંધાયા છે, જ્યાં ૮૮ કિશોરીઓ ગર્ભવતી છે, અને ત્યારબાદ મહેસાણા તાલુકામાં ૮૦ મામલા નોંધાયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા આ ગંભીર બાબતને યાનમાં રાખીને ગર્ભવતી સગીરાઓના સ્વાસ્થ્ય માટેની ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે. સગીર વયે ગર્ભધારણ માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે, તેથી યોગ્ય તબીબી દેખરેખ જરૂરી છે. નાની વયે ગર્ભધારણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત કિશોરીઓના શિક્ષણ અને ભવિષ્ય પર પણ ગંભીર અસર કરે છે. આ આંકડા સમાજને બાળ લગ્ન, જાતીય શિક્ષણનો અભાવ અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ગહન વિચારણા કરવા માટે મજબૂર કરે છે. આ પરિસ્થિતિ પર તાત્કાલિક યાન આપવું અને સમાજમાં જાગૃતિ લાવવી જરૂરી છે.