
કેદારનાથ મંદિરમાં શિવોત્સવ, લોક ડાયરો, શિવ તાંડવ તેમજ નૃત્યો યોજાયા.
મહાશિવરાત્રી પર્વની પૂર્વ સંધ્યાએ દાહોદ નજીક આવેલા હતી પ્રાચીન અને પૌરાણિક કદારનાથ મહાદેવ મંદિર ભવ્ય શિવ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને તેમના મિત્ર મંડળની આગેવાની હેઠળ યોજાયેલા આ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભક્તિ અને લોક સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમનો આરંભ વૈદિક મંત્રોચ્ચાર અને મહાદેવની આરતી સાથે થયો હતો. આ પ્રસંગે મંદિર પરિસરને રંગીન લાઇટિંગ અને આકર્ષક સજાવટથી શણગારવામાં આવ્યું હતું. જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ શિવોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો દ્વારા દેવાધિદેવ શિવની આરાધના સાથે લોક ડાયરાની રમઝટ જમાવવામાં આવી હતી. ભજન, સ્મૃતિ ગીતો અને ભક્તિમય રજૂઆતોનો ઉપસ્થિત હજારો ભક્તોએ રસમય આનંદ માણ્યો હતો. શિવોત્સવના કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે શિવતાંડવ નૃત્ય, ભગવાન શિવની મહિમા દર્શાવતા નૃત્યો, ડાંગી નૃત્યો અને આદિવાસી લોક નૃત્યોની મનોહર પ્રસ્તુતિઓ થઈ હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ કલાકારોએ રંગમંચ પર જીવંત પ્રદર્શન કર્યું હતું. જેને જોઈ ઉપસ્થિત હજારો ભક્તો ભાવવિભોર બન્યા હતા.