લુણાવાડા નાળાના મુવાડા પ્રા.શાળાના શિક્ષક ચિરાગકુમાર પંચાલનું એવોર્ડ આપી સન્માન કરાયું

શબ્દછત્રીથી બાળકોમાં પ્રિય બનેલા અને શિક્ષક તાલીમોમાં નાટકો દ્વારા ગુજરાત રાજ્યમાં લોકપ્રિય થયેલા એવા નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક અને મધવાસ ગામના વતની એવા ચિરાગકુમાર પંચાલનું શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર ખાતે લુણાવાડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષક દિને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું .

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલ બાવન પાટીદાર સમાજઘરમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ના જન્મ દિવસ ૫ મી સપ્ટેમ્બર નિમિત્તે મહીસાગર જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક -૨૦૨૬ સમારંભનું તારીખ ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૬ ને શનિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપુર્ણ સમારોહમાં જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લુણાવાડા તાલુકાના મધવાસ ગામના વતની અને ઝારા ક્લસ્ટરની નાળના મુવાડા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ,નિષ્ઠાવાન અને પ્રામાણિક શિક્ષક એવા ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલનું તેમણે શિક્ષણ ક્ષેત્રે આપેલા વિશિષ્ટ પ્રદાન બદલ લુણાવાડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પૂર્વ શિક્ષણમંત્રી તથા સંતરામપુરના ધારાસભ્ય ડો.કુબેરભાઈ ડિંડોર તથા જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર તથા જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ દામા તથા જીલ્લા શિક્ષણાધિકારી આર.જી.મુનિયા તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપાબેન જહા તથા મહાનુભાવોના હસ્તે એવોર્ડ, સન્માનપત્ર તથા પુરસ્કાર આપીને સન્માનિત કરીને બિરદાવવામાં આવ્યા હતા. તેમને મળેલા આ બહુમાનથી નાળના મુવાડા શાળા પરિવાર તથા ઝારા ક્લસ્ટરમાં તથા ગ્રામજનોમાં તથા વતનમાં તથા સમગ્ર લુણાવાડા પંથકમાં ઉત્સાહનો અને આનંદનો માહોલ તથા ખુશી અને ગર્વની લાગણી ફેલાઇ છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી તેમજ શાળા પ્રત્યેનું સમર્પણ અને સમાજસેવામાં આપેલ યોગદાન બદલ તેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. શિક્ષક ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલને લુણાવાડા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળતાં વતન મધવાસ ગામ અને નાળના મુવાડા પ્રાથમિક શાળા તથા ઝારા ક્લસ્ટરનું ખુબ જ ગૌરવ વધાર્યું છે. ગ્રામજનો, સ્નેહીજનો તથા શિક્ષણજગત દ્વારા ચિરાગકુમાર પંચાલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા આનંદની લાગણી અનુભવી હતી. ચિરાગકુમાર પંચાલને ૧૫ મી ઓગષ્ટ ૨૦૨૫ નારોજ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષક ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલ શાળામાં દર મહીને ૧૦૦% હાજર રહેનાર વિદ્યાર્થીઓને સ્વ ખર્ચે ઈનામ આપીને પ્રોત્સાહિત કરે છે તથા મહીસાગરના ઈનોવેશન ફેરમાં રજુ કરેલ તેમની શબ્દ છત્રી વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં ગુજરાત રાજ્યમાં ખુબ જ લોકપ્રિય બની છે તથા શિક્ષણકાર્ય દરમ્યાન તેઓ વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપે છે અને બાળક સાથે બાળક બનીને આનંદદાયી શિક્ષણ આપે છે તથા વિવિધ રમતો, વાર્તાઓ તથા અભિનય ગીત દ્વારા વિદ્યાર્થીઓના પ્રિય બન્યા છે તથા શિક્ષક તાલીમોમાં નાટકોમાં ધોતી પહેરીને વસ્ત્રપરિધાન કરીને આબેહુબ રીતે સરપંચનો,પિતાનો,દાદાનો,દર્દીનો રોલ કરીને એક્ટિંગ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકપ્રિય ચહેરો બન્યા છે તથા દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ક્લસ્ટરની બાટણપુરા ફળિયા પ્રાથમિક શાળાના બેસ્ટ બી.એલ.ઓ.તરીકે તેઓનું વહીવટીતંત્ર દ્વારા સતત ત્રણ વર્ષ સુધી સન્માન કરવામાં આવ્યું હતું.તેમણે મતદારયાદીની એક જ ઝુંબેશમાં ફોમે નંબર ૬ ૧૮૨ ભર્યા હતા જે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક ફોર્મ ભર્યા છે તથા કડકડતી ઠંડીમાં દાહોદ શહેરમાં અનેક વખત ધાબળા અને વસ્ત્રો જ‚રિયાતમંદને વિતરણ કર્યા છે તથા આવી અનેક સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે.