ઈસરોડા નજીક પલ્ટી મારેલ પીકઅપ ડાલામાં શંકાસ્પદ વીજ વાયરો દેખાતા બાકોર પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિરપુર બાજુથી પીકઅપ ડાલુ ઈસરોડા ગામ નજીક વિરપુર લાંબડીયા રોડથી પસાર થઈ રહ્યુ હતુ. તે સમયે ડ્રાઈવર દ્વારા કાબુ ગુમાવતા ટ્રેકટરની ટ્રોલી સાથે અથડાઈને રસ્તાની બાજુમાં ઉતરી પલ્ટી ખાઈ જવાની ધટના બની હતી. જેનાથી ડાલામાં રહેલ સામાન બહાર ફેંકાઈ જતાં ભંગારની આડમાં વીજ વાયરો લઈ જઈ રહ્યા હોવાથી લોકોને ખબર પડી ગયાની બીક અથવા ભાંડો ફુટતા ડ્રાઈવર સાથેનો ઈસમ ડાલુ છોડી ધટના સ્થળેથી ભાગી છુટ્યો હતો. જયારે પસાર થતાં લોકોની નજર પડતા લોકો આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા હતા. ભંગારની ગાડીમાં નવા એલ્યુમિનીયમના વાયરો દેખાતા કંઈક ખોટુ હોવાનુ નજરે આવતા લોકોએ ફોટો-વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જયારે બાકોર પોલીસ ધટના સ્થળે આવી જોતા ભંગારની સાથે નવો વીજ વાયર દેખાતા શંકાના દાયરામાં આવી જતાં બિનવારસી પીકઅપ ડાલાને ક્રેનની મદદથી વીજ વાયરો સહિત લીંબડીયા આઉટ પોસ્ટ ખાતે લાવી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ દ્વારા બિનવારસી ડાલુ પીકઅપ વાહન જેની અંદાજિત કિ.રૂ.3 લાખ અને એલ્યુમિનીયમ વાયર 417 કિલો જેની અંદાજિત કિ.રૂ.82,900/-આમ કુલ 3,82,900/-નો મુદ્દામાલ કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.