લોકરક્ષક ભરતીમાં ગેરલાયક ઠરેલા ૧૦ ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં આગળ વધવા માટે ફરી એકવાર તક આપવામાં આવી છે

રાજ્યમાં ૧૪ જૂનના રોજ યોજાયેલી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી. આ મામલાની ગંભીરતાને જાતા સીસીટીવી વ્યુઇંગ કમિટી દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ કમિટીના અહેવાલના આધારે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરીને કુલ ૩૮૫ ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

ગેરલાયક ઠરેલા ઉમેદવારોને ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. જે અંતર્ગત કુલ ૨૫ ઉમેદવારોએ ભરતી બોર્ડ સમક્ષ રૂબરૂ હાજર રહીને પોતાની રજૂઆત કરી હતી. ઉમેદવારોના પક્ષને સાંભળ્યા બાદ, ભરતી બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ૨૫માંથી ૧૦ ઉમેદવારોની રજૂઆતને ગ્રાહ્ય રાખી છે.

આ નિર્ણય સાથે જ આ ૧૦ ઉમેદવારોને ૩૮૫ ગેરલાયક ઉમેદવારોની યાદીમાંથી બહાર કરીને મોટી રાહત આપવામાં આવી છે. બીજી તરફ, બાકીના ૧૫ ઉમેદવારોની રજૂઆત બોર્ડે ગ્રાહ્ય રાખી નથી. આમ, ભરતી બોર્ડના આ નવા નિર્ણય બાદ હવે ૩૮૫માંથી કુલ ૩૭૫ ઉમેદવારો અંતિમ રીતે ગેરલાયક રહેશે.

ગેરલાયક યાદીમાંથી બહાર કરાયેલા આ ૧૦ ઉમેદવારોને હવે ભરતી પ્રક્રિયામાં ફરીથી સામેલ થવાની તક મળી છે. આગામી ૩૦ સપ્ટેમ્બરથી શરૂ થનારી દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયામાં તેમને નિયમ મુજબ સામેલ કરવામાં આવશે. આ ઉમેદવારોના કોલ લેટર અને દસ્તાવેજ ચકાસણીની ચોક્કસ તારીખ અંગેની માહિતી ભરતી બોર્ડ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે.