
આજના યુગમાં જ્યારે સ્માર્ટફોન ઓફિસ અને ઘર વચ્ચેની રેખાને ઝાંખી કરે છે, ત્યારે કામનો દિવસ ભાગ્યે જ છ વાગ્યા પછી સમાપ્ત થાય છે. મોડી રાતના ઇમેલ અને બોસના જરૂરી મેસેજ જ્યારે રૂટિનનો ભાગ બની ગયા છે. આ સતત કનેક્ટિવિટીના કારણે કર્મચારીઓ ક્યારેય પણ કામથી ફ્રી થઈ શક્તા નથી. આ વધતી જતી ચિંતાને યાનમાં લેતા સંસદમાં એક નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે રાઈટ ટૂ ડિસ્કનેક્ટ બિલ, ૨૦૨૫. આ બિલ લોક્સભા સાંસદ સુપ્રિયા સુલે દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
ભારતના વર્કફોર્સને હંમેશા ઓનલાઈન રહેવાનું દબાણ ખૂબ જ વધી રહ્યું છે. રિમોટ વર્ક, ડિજિટલ કમ્યુનિકેશન ટૂલ્સ અને કંપનીની અપેક્ષાઓએ હદ પાર કરી દીધી છે. આના કારણે કર્મચારીઓ માટે આરામ કરવો અથવા તેમના પરિવારો સાથે સમય વિતાવવો મુશ્કેલ બની ગયો છે. આ બિલ આ મોટા મુદ્દાને યાનમાં લેતા રજૂ કરવામાં આવ્યું છે અને કર્મચારીઓને કામના કલાકો પછી કામથી ડિસ્કનેક્ટ થવાની કાનૂની આઝાદી આપીને સંતુલન પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે.
આ બિલ કર્મચારીઓને ઓફિસ સમયની બહાર કામ સંબંધિત કમ્યુનિકેશનથી બચાવવા માટે બનાવવામાં આવ્યું છે. આ નિયમ ખાતરી કરે છે કે કર્મચારીઓ કામ પછી સ્વિચ ઓફ કરી શકે છે અને નોકરીદાતાઓ તે મર્યાદાનું પાલન કરે છે. કર્મચારીઓ પર હવે કામકાજનો દિવસ પૂરો થયા પછી કોલના જવાબ આપવા, ઇમેલનો જવાબ આપવા અથવા કામ પૂર્ણ કરવા માટે દબાણ કરવામાં આવશે નહીં.
બિલમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, માલિક ઈમરજન્સીની સ્થિતિમાં કલાકો પછી પણ કર્મચારીઓનો સંપર્ક કરી શકે છે, પરંતુ કર્મચારીઓ જવાબ આપવા માટે બંધાયેલા નથી. કામના કલાકો પછી કમ્યુનિકેશનને વૈકલ્પિક બનાવીને આ બિલ હેલ્ધી કામ કરવાની આદતોને પ્રોત્સાહન આપશે અને ભાવનાત્મક થાક ઘટાડશે.
આ બિલની સૌથી મોટી તાકાત એ છે કે તે શિસ્તભંગના પગલાં સામે રક્ષણ પૂરું પાડે છે. જો કોઈ કર્મચારી કામના કલાકો પછી કોલનો જવાબ ન આપવાનું અથવા મેસેજનો જવાબ ન આપવાનું પસંદ કરે છે, તો કંપની કાનૂની રીતે તેમને તેના માટે સજા કરી શક્તી નથી. આ સાથે જ એવા કિસ્સાઓમાં જ્યાં કર્મચારીઓ કલાકો પછી સ્વેચ્છાએ કોલ અથવા સંદેશાઓનો જવાબ આપે છે, બિલ સ્ટાન્ડર્ડ વેતન દરે ઓવરટાઇમ પગાર ફરજિયાત કરે છે.
નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તેની ખાતરી કરવા માટે આ બિલ એવી કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ આપે છે, જે ડિસ્કનેક્ટ કરવાના અધિકારની અવગણના કરે છે. જો એમ્પ્લોયર ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે તેમના પર કુલ કર્મચારી પગારના ૧% સુધીનો દંડ લગાવી શકાય છે.