
સાડા ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાવિહોણી છે છતાં ય પાર્ટી હજુ જૂથવાદ અને ટાંટિયાખેંચમાંથી બહાર આવતી નથી. મેવાણીના મુદ્દામાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ જોડાઈ ગઈ છે. પરંતું મેવાણીની વાત આવે ત્યારે કોંગ્રેસના આ એકેય નેતા કેમ એની પડખે હોતા નથી, મેવાણીની વાત આવે ત્યારે કોંગ્રેસના ભલભલા નેતાઓ તેના મુદ્દાને કિનાર કરી લેતા હોય છે. તો બીજી તરફ અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી વચ્ચેના મતભેદ પણ કોંગ્રેસમાં જાણીતા છે. બંને એક મંચ પર સાથે કેમ હોતા નથી. આવું અસંખ્યવાર બન્યું છે. ત્યારે કોંગ્રેસના જિગ્નેશ મેવાણી વસસ બાકીના નેતાઓની રાજનીતિ શું છે તે જોઈએ.
’બકલ પટા ઉતરી જશે’ એ વિધાન આજકાલ ગુજરાતમાં ચર્ચાસ્પદ છે. દારૂ, જુગાર, ડ્રગ્ઝની બદી ગુજરાતમાં વધી રહી છે, પોલીસની રહેમનજર હેઠળ આ બધું ચાલે છે એવા આક્ષેપો સાથે થરાદ પોલીસ સાથે જાહેરમાં જીભાજોડી કરીને કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ચર્ચા જગાવી. પોલીસને વખોડતા મેવાણીના વિધાનો સામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ’ડિગ્રી છે, પણ સંસ્કાર નથી’ એવું નિવેદન આપ્યું. પોલીસ વડાએ પણ ’ડિપાર્ટમેન્ટ સિવાયના લોકોની ધમકીને તાબે ન થવા’ કહ્યું. એ પછી મેવાણીની વિરુદ્ધમાં પોલીસ પરિવારોએ રેલી કાઢી. જવાબમાં મેવાણીના સમર્થનમાં પણ રેલી નીકળી. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઝીણી નજરે જોવાનો મુદ્દો એ છે કે આમાં ક્યાંય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેવાણીના સમર્થનમાં ઉતર્યાં નથી.
ગુજરાત કોંગ્રેસની હાલત ’બાર ભાયા ને તેર ચોકા’ જેવી છે. જેટલાં નેતા એટલાં જૂથ છે અને એ દરેક જૂથ આપસમાં એકબીજાના ટાંટિયા ખેંચવામાં મશગુલ રહે છે. હાલના સંજોગોમાં પણ એ દૃષ્યમાં ખાસ પરિવર્તન આવ્યું જણાતું નથી. શક્તિસિંહ ગોહિલ પ્રદેશપ્રમુખ હતા ત્યારે તેમનાં ધૂર વિરોધી નેતાને શક્તિસિંહના જ ગૃહ જિલ્લા ભાવનગરમાં સંગઠનનો મહત્વનો હોદ્દો મળ્યો. તેની પાછળ આપસનો જૂથવાદ જ જવાબદાર હોવાનું કહેવાય છે અને એ કારણથી જ તેમણે પ્રદેશપ્રમુખનું પદ છોડ્યું હોવાનું માનવામાં આવે છે. હવે હરીફરીને અમિત ચાવડા ફરીથી પ્રદેશપ્રમુખ બન્યા છે ત્યારે પણ ટાંટિયાખેંચ તો બંધ નથી જ થઈ.
મેવાણીની આક્રમક્તા સામે સીધી નહિ તો આડક્તરી રીતે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું એ પછી પણ કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા સહિતના એકે ય ટોચના નેતાએ મેવાણીનું જાહેર સમર્થન કર્યું નથી. એકમાત્ર સાંસદ ગેનીબહેન ઠાકોરે સોશિયલ મીડિયા પર મેવાણીનું સમર્થન કરતી પોસ્ટ મૂકી હતી અને થરાદમાં નીકળેલી મેવાણીના સમર્થનની રેલી માટે પણ સહયોગ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એ સિવાય જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, પ્રતાપ દૂધાત, લાલજી દેસાઈ જેવા એકે ય મોટા નેતાએ મેવાણીની તરફદારી કરી હોવાનું જાણવા મળતું નથી.
હાલ જિજ્ઞેશ મેવાણી પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે. પરંતુ કોંગ્રેસના નવા સંગઠન માળખામાં કાર્યકારી પ્રમુખનો હોદ્દો જ કાઢી નાંખવાની હિમાયત થઈ રહી છે. તેની પાછળ એવું કારણ જણાય છે કે હોદ્દો જ ન રહે તો આપોઆપ મેવાણીને કદ પ્રમાણે વેતરી શકાય. આથી દલિત સમુદાયના જ કેટલાંક નેતાઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકને રજૂઆત કરીને કાર્યકારી પ્રમુખનો હોદ્દો બિનજરૂરી હોવાનું જણાવ્યું હોવાનું કહેવાય છે. સરવાળે, મેવાણીને ભાજપ કે આમઆદમી પાર્ટી નહિ, તેમનાં ખુદના પક્ષના નેતાઓ જ આડો પગ કરી રહ્યા હોય તેવી છાપ ઉપસે છે.