કોંગ્રેસની બધી રીતે તકલીફો જારી,અરવલ્લીના તાલુકા કોંગ્રેસ પ્રમુખનું માર્ગ અકસ્માતમાં મોત

કોંગ્રેસની બધી રીતે માઠી દશા બેઠી લાગે છે. માંડ-માંડ આગેવાનો મળે છે અને મળે છે તેમા પણ મોતને ભેટે છે. કોંગ્રેસના બાયડ અને સાતંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.

તેમને બાયડ-કપડવંજ હાઇવે પર બોરલ ગામ નજીક રાત્રે આ અકસ્માત થયો હતો. તેમની બાઈક બોરલ ગામ નજીકથી પસાર થતા લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

તેમના મૃત્યુથી બાયડ અને સાતંબા તાલુકા કોંગ્રેસ સમિતિઓમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. બોરલ ગામ નજીક લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે બાઇક અથડાઈ આ ટક્કર એટલી જોરદાર હતી કે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના નેતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે ડ્રાઈવર ટ્રેક્ટર લઈને ભાગી ગયો. પોલીસે અકસ્માતનો કેસ નોંયો છે અને આ મામલાની તપાસ કરી રહી છે.

આ અકસ્માત બાદ સ્થાનિક સમુદાયમાં ભારે આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. સ્થાનિકો પોલીસ પર ગેરકાયદેસર રીતે લાકડાનું પરિવહન કરતા ટ્રેક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવી રહ્યા છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઓવરલોડેડ વાહનોને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકો પોતાના જીવ ગુમાવી શકે છે. એક વખતે અરવલ્લીમાં અકસ્માત જ ભાગ્યે જ થતો ત્યાં હવે આ પ્રકારની ઘટના રોજિંદી બનવા માંડી છે. તેમા પણ કોંગ્રેસના જાણીતા આગેવાનના મૃત્યુના કારણે આખા વિસ્તારમાં જાણે ઘેરી કાલિમા છવાઈ ગઈ છે.