આનંદીબેનનાં દીકરી હવે ખોડલધામનાં સર્વેસર્વા:નરેશ પટેલે નવી પોસ્ટ ઊભી કરી આખું સંગઠન સોંપ્યું; 2027ની ચૂંટણી પહેલાં હલચલ

રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ખાતે યોજાયેલી ‘કન્વીનર મીટ 2026’ દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ તરીકે જાહેર કર્યાં છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતાં તમામ પાયાનાં કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે.

નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે, સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. અત્યારસુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. કન્વીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ નિર્ણયને વધાવ્યો હતો. આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.

અમદાવાદ અને અમરેલીમાં નવા ઝોન અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી ખોડલધામ સંગઠન કન્વીનર મીટ 2026ના કાર્યક્રમમાં ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ તોડીને નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે. ખોડલધામના કુલ 11 ઝોન છે ગુજરાતમાં જે પૈકી અમદાવાદ ઝોનમાં 3 અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરષોત્તમભાઈ ઢેબરિયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાળ સંભાળશે. આ જ રીતે અમરેલી કે જે લેઉવા પાટીદાર સમાજનું પાટનગર છે, અમરેલી જિલ્લાના ઝોન અધ્યક્ષ તરીકે બાવકુભાઇ ઊંઘાળની નિમણૂક કરવામાં આવી છે.

અનાર પટેલે જણાવ્યું હતું કે, વર્ષો પછી આવડો મોટો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. અમે છેલ્લા 8 મહિનાથી બધા જિલ્લામાં ફરી રહ્યા છીએ અને લાગણીઓ સમજવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જવાબદારી બદલતી રહેશે અને આપણે નવા લોકોને સાથે આગળ લાવીશું. આ સમાજ છે પક્ષ નથી માટે બધાએ આપણા પોતાના સમાજ માટે કામ કરવાનું છે. સમાજ માટે મને હોદ્દો મળ્યો છે, અહીંયા બધું આપવાનું છે કશું લેવા માટે નથી. સમાજને કૈક પાછું આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભક્તિ સાથે એક્તાની શક્તિનું સૂત્ર છે જ્યાં ભક્તિ હોય ત્યાં મન ચોખ્ખું હોવું જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઘણી જગ્યાએ અમે હતાશ થઇ જઈએ, ત્યારે નરેશભાઈ એક જ વાક્ય કહે છે ‘માની ઈચ્છાથી થશે, જે થશે માની ઈચ્છાથી થશે’ આપણે એમનામાંથી ઘણું શીખવાનું છે. આ ટ્રસ્ટ એમણે ઉભું કર્યું છે, એમને ઘણા બધા લોકોએ ટેકો આપ્યો છે. આપણે એ બધાને સાથ આપવાનો છે અને એના માટે જ સંગઠિત થવાનું છે. પટેલો પાસે બધું જ છે પણ સમાજ માટે ઘણું કામ બાકી છે. મતભેદ હોવા જોઈએ મનભેદ ન હોવા જોઈએ. નાનામાં નાના પરિવારની ચિંતા કરીને આપણે સાથે કામ કરવાનું છે. આપણા સમાજના વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ.

નરેશ પટેલે જણાવ્યું હતું કે, જેનીબેન ઠુંમરને ટ્રસ્ટી તરીકે સામેલ કરવા હું બધાને ભલામણ કરી રહ્યો છું. સંગઠનને આગળ વધારવાની યુવાનોની જવાબદારી છે સંગઠન માટે યુવાનો આગળ આવે તેવી હું અપીલ કરું છું. જુદી જુદી સમિતિ બનાવી આગળ વધતા રહો તેવી હું સમાજને સંગઠનને અપીલ કરું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જગ્યા લેવામાં આવી છે, જ્યાં સોમનાથ જેવું જ ખોડલધામ ટ્રસ્ટનું ભવન બનાવવામાં આવશે. ખોડલધામ ખાતે પણ રહેવાની વ્યવસ્થા કરવા માટે ભવન બનાવવામાં આવશે. એક સપ્તાહ પહેલા નિર્ણય લેવાયો છે કે હરિદ્વારમાં પણ ખોડલધામ ભવન બનાવવામાં આવશે.