
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે વર્ષ ૨૦૨૩માં કરવામાં આવેલા કથિત નિવેદનોનો વિવાદ ફરી એકવાર કાયદાકીય ગૂંચવણોમાં અટવાયો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજય સિંહે સિટી સેશન્સ કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
વર્ષ ૨૦૨૩માં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રધાનમંત્રીની ડિગ્રીને લઈને જાહેર નિવેદનો આપ્યા હતા. આ નિવેદનોથી યુનિવસટીની પ્રતિષ્ઠાને નુક્સાન થયું હોવાનો દાવો કરીને ગુજરાત યુનિવસટીએ બંને નેતાઓ વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ આ કેસની કાર્યવાહી ચલાવી રહી છે.
અગાઉ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહની રાહત માંગતી અરજીઓ નકારી દીધી હતી. આ નિર્ણયને અયોગ્ય ગણાવી બંને નેતાઓએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અરવિંદ કેજરીવાલે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલને સંજય સિંહની ટ્રાયલથી અલગ કરવાની માંગ કરી હતી. તેમનો તર્ક હતો કે તેમના પર કોઈ કાવતરું કે સમાન ગુનાહિત ઈરાદાનો આરોપ નથી, તેથી બંનેની ટ્રાયલ સાથે ન ચાલવી જોઈએ. સંજય સિંહે મેજિસ્ટ્રેટ કોર્ટના એ નિર્ણયને પડકાર્યો હતો જેમાં તેમની ગેરહાજરીમાં તેમના વકીલ મારફતે પ્લી (નિર્દોષ હોવાનો દાવો) નોંધવાની મંજૂરી અપાઈ હતી. તેમણે આ પ્રક્રિયાને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી છે.
ગુજરાત યુનિવસટી તરફથી હાજર રહેલા વકીલ અમિત નાયરે આ બંને અરજીઓનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે અને તેમાં કોઈ ફેરફારની જરૂર નથી. અગાઉ વધારાના સેશન જજ એમ. પી. પુરોહિતે પણ કેજરીવાલની ટ્રાયલ અલગ કરવાની માંગણી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે રાજકારણીઓ દ્વારા કરાયેલા નિવેદનોને લઈને ગુજરાત યુનિવસટીએ એપ્રિલ ૨૦૨૩માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. યુનિવસટીએ પોતાની પ્રતિષ્ઠાને નુક્સાન પહોંચાડતા માન હાનિકારક નિવેદનો અને સંકેતો કરાયા હોવાનું જણાવ્યું હતું, જેના આધારે મેટ્રોપોલિટન કોર્ટે કેસનો સંજ્ઞાન લઈને કેજરીવાલ અને સિંહને સમન્સ જારી કર્યા હતા. આ ઘટના, હાઇકોર્ટે મુખ્ય માહિતી કમિશન દ્વારા ગુજરાત યુનિવસટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમએ ડિગ્રી જાહેર કરવાની આપેલી સૂચના રદ કરી હતી, તેના એક મહિના અંદર બની હતી.