કવાંટ બાયપાસ રોડ પરનો મુખ્ય પુલ જર્જરિત થતાં તેના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કારણે ભારે વાહનોની અવરજવર બંધ થતાં, સરકારી બસો સહિતના વાહનો કવાંટ નગરમાંથી પસાર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા માટે કવાંટ પોલીસ વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કવાંટ થી છોટાઉદેપુર જતા બાયપાસ રોડ પર આવેલો ઓવરબ્રિજ 50 વર્ષથી વધુ જૂનો છે અને હાલમાં જર્જરિત હાલતમાં છે. છોટાઉદેપુર જીલ્લા કલેક્ટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ, છોટાઉદેપુર થી કવાંટ ગામને જોડતા ધનીવાડીના નાના પુલ પરથી સરકારી એસટી બસો, ફાયર ફાઈટિંગ વાહનો, એમ્બ્યુલન્સ અને નાના વાહનો પસાર થઈ શકશે. જ્યારે ભારે વાહનો માટે છોટાઉદેપુરથી પાનવડ, પાણીબાર, ભીંડોલ, કલારાની ચોકડી થઈને બોડેલી તેમજ રાજપીપળા તરફના વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. આજરોજ, કવાંટ પોલીસ વિભાગ દ્વારા કવાંટ બસ ડેપોથી પોલીસ સ્ટેશન રોડ પરના અસ્થાયી દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દુકાનદારોને તેમનો સામાન દુકાનની અંદર રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેથી ટ્રાફિક અવરજવર સરળ બની શકે. જોકે, જીલ્લા કલેક્ટરના જાહેરનામા છતાં આજે સવારે બે ભારે વાહનો ગામમાંથી પસાર થયા હતા. ગ્રામજનોએ રજૂઆત કરી છે કે, જો ભારે વાહનો ગામમાંથી પસાર થશે તો રસ્તાઓ ખરાબ થઈ જશે. તેમણે પોલીસ વિભાગ દ્વારા આવા વાહનોને ગામમાં પ્રવેશતા અટકાવવા માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.