
છોટાઉદેપુર જીલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા મુશળધાર વરસાદને કારણે કવાંટના ધનપરી અને વાંટડા ગામોને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગત રાત્રિએ જીલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં પણ અતિવૃષ્ટિ થતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે ઠેર ઠેર કોઝવે ધોવાઈ જવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં કવાંટ તાલુકાનો આ કોઝવે પણ ભોગ બન્યો છે.
ધનપરીથી વાંટડા તરફ જતા માર્ગ પરનો કોઝવે ધોવાઈ જતાં આ પંથકના ગ્રામજનોને રોજિંદા કાર્યો માટે લાંબો ફેરો કરવો પડે છે. વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ખાસ કરીને અવરજવરમાં ભારે અગવડ પડી રહી છે.