કવાંટ ખાતે માનવ કલ્યાણ યોજનાની અલગ અલગ રોજગારી માટેની કિટ આપવા માટે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાના 746 લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. આ કિટોમાં આઈએસઆઈના માર્કા વગરની કિટ આપતા હોબાળો મચ્યો હતો.
આ કિટના વિતરણની કામગીરીમાં સ્થાનિક આગેવાનોને અને અધિકારીને પણ જાણ કરી નથી. એજન્સીના માણસોએ બારોબાર એક ગોડાઉનમાંથી કિટનુ વિતરણ કરતા હોવાની જાણ સ્થાનિક નેતાઓને થતાં સમગ્ર કોૈભાંડ બહાર આવ્યુ હતુ. સરકારે આઈએસઆઈ માર્કાની વસ્તુઓ આપવા માટે ફરમાન કર્યુ છે ત્યારે તેઓ દ્વારા આપવામાં આવતી કિટમાં જ આઈએસઆઈના માર્કા નથી. છોટાઉદેપુર જિલ્લાના તાલુકામાંથી 746 ગરીબ લાભાર્થીઓએ માનવ કલ્યાણ યોજનામાં ભરતકામ કિટ, બ્યુટીપાર્લર કિટ, દુધ-દહીં વેચનાર કિટ, ઈલેકટ્રીક એપ્લાયન્સ રિપેરીંગ કિટ, પંચર કિટ, વાહન સર્વિસ અને રિપેરીંગ કિટ, અથાણા બનાવવાની કિટ, પાપડ બનાવવાની કિટ, પ્લમ્બરની કિટ, સેન્ટ્રીંગની કિટની રોજગારી માટે ફોર્મ ભર્યા હતા. જે ફોર્મ મંજુર થતાં જિલ્લાના 6 તાલુકામાંથી કવાંટ ખાતે લાભાર્થીઓને કિટ આપવા બોલાવ્યા હતા. તેઓને કિટ આપતા તે સામાનમાં કોઈપણ કિટમાં આઈએસઆઈ માર્કાનુ મટીરીયલ ન હતુ. હલકી કક્ષાનો સામાન આપતા આક્રોશ ફેલાતા વિતરણ કરવામાં આવેલી એજન્સીના કર્મચારીઓને રજુઆત કરી હતી. એજન્સીના માલિકોએ સ્થાનિક તાલુકા કક્ષાએ લાભાર્થીઓને બોલાવીને કિટનુ વિતરણ કરવાનુ હોય છે. જયારે 50 કિ.મી.સુધી લાભાર્થીઓ કિટ લેવા માટે આવ્યાહતા. કિટ વિતરણ વખતે નેતાઓની બાદબાકી કરાઈ હતી. આ આખો મામલો હલકી કક્ષાની કિટને લઈને બહાર આવ્યો હતો.