ટેકનોલોજીનો અતિરેક ક્યારેય કરુણ અંજામ લાવે છે, તેનો તાજા કિસ્સો કામરેજમાં સામે આવ્યો છે. કામરેજના કેનાલ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી ૩૨ વર્ષીય સૌરાષ્ટ્રવાસી પરિણીતાને તેના પતિએ મોબાઈલ વાપરવા બાબતે ઠપકો આપ્યો હતો. આનાથી પત્નીને માઠું લાગી આવ્યું હતું અને આવેશમાં આવીને તેણે આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ જૂનાગઢ જિલ્લાના એક ગામના વતની અને હાલ કામરેજ ખાતે રહેતા ૪૨ વર્ષીય લાલજીભાઈ ભીમજીભાઈ ઘાડિયા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. લાલજીભાઈએ શનિવાર, તારીખ ૧૧ એપ્રિલના રોજ સવારના સમયે તેમની પત્ની ઇન્દિરાબેન (ઉંમર વર્ષ ૩૨)ને મોબાઈલ ફોનમાં વધુ પડતું ધ્યાન આપવા બાબતે ઠપકો આપ્યો હતો અને ફોનનો ઓછો વપરાશ કરવા જણાવ્યું હતું. આ ઘટના શનિવારે સવારે અંદાજિત ૧૧ વાગ્યાની આસપાસ બની હતી.
પતિ દ્વારા જાહેરમાં મળેલો આ સાધારણ ઠપકો ઇન્દિરાબેનને મન પર લાગી ગયો હતો. મનમાં અત્યંત ખોટું લાગી આવતા તેમણે જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હતો. આપઘાતનો પ્રયાસ કર્યા બાદ તેમને પરિવારજનો દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મૃતકના પતિ લાલજીભાઈએ કામરેજ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. એક સામાન્ય વાતમાં પરિવારે પોતાની વહુ અને ત્રણ બાળકોએ માતા ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.