કાલોલના સગનપુરા ગામે વન વિભાગના પાંજરામાં દીપડો પુરાયો ગ્રામજનોએ લીધો રાહતનો શ્ર્વાસ

કાલોલ તાલુકાના સગનપુરા ગામે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર જોવા મળતાં સમગ્ર ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. ગામ નજીક આવેલ નદી કિનારાના ડુંગર વિસ્તારમાં દીપડાની ચહલપહલ વધતાં સ્થાનિક રહીશો અને ખેડૂતો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા હતા.

આ અંગેની જાણ થતાં જ વન વિભાગે તાત્કાલિક હરકતમાં આવીને વિસ્તારમાં પેટ્રોલિંગ તેજ કર્યું હતું. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક રીતે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.

દરમિયાન, વન વિભાગની ટીમ દ્વારા મુકાયેલા પાંજરામાં આખરે દીપડો પુરાઈ જતાં વન વિભાગે રાહત અનુભવી હતી. દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતાં છેલ્લા કેટલાક સમયથી ભયના ઓછાયા હેઠળ જીવતા સગનપુરાના ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો છે અને વન વિભાગની કામગીરીની સરાહના કરી છે.